અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ ગાંધી વિચાર અને શિક્ષણ માટે જાણીતી છે. ખાદીધારી વિદ્યાર્થીઓ અને સાદગી-સ્વચ્છતા આ સંસ્થાની ઓળખ છે. આ વિદ્યાપીઠમાં અવારનવાર જ્ઞાન વર્ધક અવનવા કાર્યક્રમો થતા જ રહે છે. સામાજને સ્પર્શે એવા ઉમદા કાર્યક્રમો પણ થાય છે.
22 ફેબ્રુઆરી, ગુરુવારની સાંજે ગુજરાત વિદ્યાપીઠ પરિવાર દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં સૌએ અવનવી વાનગીનો સ્વાદ માણ્યો. અઢળક સ્વાદિષ્ટ વાનગીઓ સાથેના આ ફૂ઼ડ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા સૌએ સાથે મળી કર્યું.
જેમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, ગુજરાત વિદ્યાપીઠ પરિવાર સાથે જોડાયેલા અનેક લોકોએ ભાગ લીધો. સંધ્યા ટાણે યોજાયેલા આ રસાસ્વાદ મેળાને નાના મોટા તમામ વર્ગના લોકો એ માણ્યો. વિદ્યાર્થીઓએ બનાવેલી એકદમ લિજ્જતદાર વાનગીઓ જેમાં મીક્સ ભજીયાં., બટાકા વડા, બ્રેડ પકોડા, ગળ્યો ખીચડો, પાણીપૂરી, વેજ. ટીક્કી, ઉંબાળીયું, પુલાવ,
સમોસા, ભૂંગળા બટેટા, જુવારના ઢોકળાં, ચોખાનો રોટલો, સુકી સબ્જી, અમેરીકન મકાઇ, ભેળ, ચટપટા ચણા, ગુલાબ લસ્સી, માલપુડા, સેન્ડવીચ, નાગલીની વાનગીઓ, ખાંડવી, કચ્છીકોન, બાસ્કેટ ચાટ, સ્પે. સુરતી વેજ. દહીંવડા, દાબેલી, અનેક સ્વાસ્થ્ય વર્ધક પીણાં, લીક્વીડ લોન્જ મુકવામાં આવ્યાં.
આ સાથે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ચીજ વસ્તુઓના સ્ટોલ પણ મુકવામાં આવ્યો. આ ફૂડ ફેસ્ટિવલ, આનંદના મેળાની સૌથી મોટી વિશેષતા એ હતી કે સ્ટોલ પર એકઠી થયેલી રકમ પુલવામામાં શહીદ થયેલ વીર જવાનોને અર્પણ કરવાનો સંકલ્પ.
દેશ ભક્તિના ઉચ્ચ વિચાર સાથે જોડાયેલા આ સ્વાદના મેળાને સૌએ ભરપૂર માણ્યો. સ્વાદના આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાપીઠ પરિવારનું અનોખું ઐક્ય જોવા મળ્યું.
(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)