સુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓનો આબાદ બચાવ

સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં સ્થિત મિશન હોસ્પિટલમાં 6 મે, 2025ના રોજ સાંજે ભીષણ આગ ફાટી નીકળી, જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ. મીડિયા સૂત્રો અનુસાર, આગ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પરના સર્વર રૂમ અને એક્સ-રે રૂમ નજીક લાગી હતી. આગને પગલે ધૂમાળાના ગોટે ગોટા ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા.

AI generated image

ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં દાખલ આશરે 20 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આગ ફેલાવાના કારણે અને વધૂ ધૂમાડાના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પરંતુ પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી.

આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને હોસ્પિટલ સંચાલકો સાથે ચર્ચા કરી અને આગના કારણો તેમજ ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરી. હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષા સાધનોની પર્યાપ્તતા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સ્થાનિક લોકોની મદદ અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી. હાલ, પોલીસ અને ફાયર વિભાગ આગના મૂળ કારણોની તપાસ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારી શકાય.