આજે રાજ્યભરમાંથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન માટે ગાંધીગનર પહોંચી રહ્યા છે. તો બીજી તરફ આંદોલન આક્રમક બને તે પહેલાં પોલીસ દ્વારા અટકાયતનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોની ભરતીને લઇને મોટું નિવેદન આપતાં કહ્યું છે કે રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે (24મી ફેબ્રુઆરી) આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી રહ્યા છે. જેને લઈને સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નોંધનીય છે કે, આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી. જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલનમાં જોડાવવા માટે રાજ્યભરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા છે. ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયત સિલસિલો શરૂ કરી દીધો છે. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી છે.
શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ શિક્ષણ ભરતીની જાહેરાત કરતા જણાવ્યું કે, સરકારે બાંહેધરી આપી છે તે પ્રમાણે ભરતી થશે. આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે. સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરી છે તે ખાલી જગ્યાઓ પર ચોક્કસ ભરતી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. શિક્ષમંત્રીએ આ પ્રકારે નિવેદન આપી આંદોલન પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ કર્યો છે. જોકે જોવાનું એ રહ્યું કે પ્રફુલ્લ પાનસેરિયાના નિવેદન બાદ ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન પાછું ખેંચશે કે પછી આંદોલન ઉગ્ર બનશે.
