અસહ્ય દુ:ખાવામાં રૂંધાતી બાળકી ન દેખાઈ બાજુમાં ઊભેલા શિક્ષકોને?

અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી.  આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ તેને શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ (cardiac arrest) ના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

આ મામલે ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના આચાર્ય શર્મિષ્ઠા સિન્હાના જણાવ્યું હતું કે, ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી ગાર્ગી તુષાર રાણપરાનું મોત થયું છે. અમે સીસીટીવી રેકોર્ડિંગમાં જોયું કે, દરરોજ બાળકી જે રીતે આવતી હતી તેમ જ શાળામાં આવી હતી. તે તેના પહેલા માળ પર આવેલા ક્લાસમાં જઈ રહી હતી. તે દરમિયાન તે ધીરે ધીરે ચાલી રહી હતી. દરમિયાન તે ત્યાં રહેલી ખુરશીમાં બેસી ગઈ અને તે ધીરે ધીરે નીચે આવવા લાગી હતી. શિક્ષકોએ જ્યારે આ જોયું ત્યારે એની પાસે દોડી ગયા હતા. જોઈને લાગ્યું કે, તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. એટલે અમે તેને સીપીઆર આપ્યું. જે બાદ 108ને ફોન કર્યો. પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી અમે તેને સ્ટાફની ગાડીમાં સારવાર માટે લઇ ગયા હતા. અમે તેને ઝાયડસ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેઓએ તપાસીને કહ્યું કે, તેને કાર્ડિઆક અરેસ્ટ આવ્યો છે એટલે આઈસીયુમાં દાખલ કરવામાં આવી પરંતુ અંતે તેનું મોત થઇ ગયું.

અત્રે ઉલ્લેખનીય છે બાળકીના દાદા અને દાદી અમદાવાદમાં રહે છે. ઘટનાની જાણ થતાની સાથે બાળકીના ફોઈ અને દાદા આવી પહોંચ્યા હતા. બાળકીના માતા પિતા વ્યવસાઈક કામને લઈ મુંબઈ રહે છે. બાળકીની મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે તેને કોઈ પણ બીમારી ન હતી. છતાં અચાનક બાળકીને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. તે એક ચર્ચાનો વિષય છે. હાલ, અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

બાળકીના શાળામાં પ્રવેશ્યા બાદના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે, બાળકી અસહ્ય દુ:ખાવાથી એક ખુરશી પર બેસી જાય છે, અને આસપાસના લોકોને મદદ અર્થે બોલાવાનો પ્રયાસ કરે છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે વિડીયોમાં જોવા મળી રહ્યુ છે કે કેટલાક શિક્ષકો બાજુમાં ઊભા રહી વાતો કરી રહ્યા છે. પરંતુ તેમનું ધ્યાન બાળકી પર જઈ નથી રહ્યું. અહીં પ્રશ્ન એ થાય કે શું મોંઘીદાટ શાળામાં શિક્ષકની ફરજ શું ક્લાસ રૂમ સુધી જ હોય છે.?