અમદાવાદ: જૂની પેન્શન યોજના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલન કર્યા બાદ સરકારે પીછેહટ કરવી પડી હતી. આખરે રાજ્ય સરકારે મોટા ઉપાડે ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા જાહેરાત કરી હતી. પરંતુ આ અંગે કોઈપણ લેખિતમાંમાં પરિપત્ર અથવા ઠરાવ પસાર કર્યો નથી. આ વાતને બે મહિના વિત્યા છતાંય હજુ સરકારે કોઇ ઠરાવ કે પરિપત્ર જાહેર કર્યો નથી. પરિણામે શિક્ષકો-સરકારી કર્મચારીઓ રોષે ભરાયાં છે.
વર્ષ 2005 અગાઉના શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારી મહામંડળની માંગ છે કે, બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. આ કારણોસર લાભથી વંચિત સરકારી કર્મચારીઓ સરકારથી નાખુશ છે. તાજેતરમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત બાદ લેખિતમાં રજૂઆત ન થતા, આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લેખિતમાં રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી હતી. નોંધનિય છે કે જો કે પાછલી સરકારમા પણ જૂની પેશન સ્કીમનો લાભ આપવાની જાહેરાત કરાયા બાદ નોટિફિકેશન જાહેર નહોતું કરાયું. માત્ર જાહેરાત બાદ નોટિફિકેશન હજુ સુધી જાહેર ન થતા કર્મચારીઓ દુવિધામાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌથી વઘુ લાભ માત્ર શિક્ષકોને મળે તેમ છે. આ તરફ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજનાનો અમલ કરવા જાહેરાત કરી તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈ સરકારી ઠરાવ કે પરિપત્ર જાહેર કરાયો નથી. આ કારણોસર સરકારી કર્મચારી મંડળે ફરી એકવાર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવી પડી છે. સરકારી કર્મચારીઓને સરકારે ક્યાંક કોણીએ ગોળ તો ચોટાડ્યો નથી ને.. તેવો અહેસાસ થઇ રહ્યો છે.