ધર્મના ધતિંગમાં ખૂબ ગાજ્યો ‘ઢબૂડી મા’,તપાસ શરુ થતાં ઘર-ઓફિસને તાળાં મારી ફરાર

અમદાવાદ– ધર્મ અને ધતિંગ બંને શબ્દ શરુ થાય છે ધ અક્ષરથી, પરંતુ તેના મૂલ્યમાં જમીનઆસમાનનો ભેદ છે. ગુજરાતભરમાં તાજેતરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ ઢબૂડી મા નામે ઓળખાતાં એક શખ્સના અહેવાલ સુરખીઓમાં છે. ગાંધીનગરના રૂપાલ ગામના મૂળ રહીશ ધનજી ઓડ ઢબૂડી માના નામે ધતિંગ કરતાં માતાજીના ભૂવા તરીકે ચર્ચાસ્પદ બન્યાં છે.

વિજ્ઞાન જાથાને ફરિયાદ પછી ગઈકાલે મંગળવારે ભીખાભાઈ માણિયા નામના ભોગ બનનારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ ભીખાભાઈ ઢબૂડી માના શરણે આવ્યાં હતાં. તેમના 22 વર્ષના પુત્રને કેન્સર હતું, તો ધનજી ઓડે દવા બંધ કરાવી અને 22 વર્ષના જુવાન જોધ જેવા દીકરાનું મોત થયું હતું. જેને પગલે તેમણે ઘનજી ઓડ સામે અરજી કરી છે, કે ઢબૂડી માના નામે તે ધતિંગ કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. પેથાપુર પોલિસ ફરિયાદ બાદ દોડતી થઇને ધનજી ઓડના ઘેર અને ઓફિસે ગઈ હતી, પણ ધનજી ઓડ ફરાર છે.

જાણવા મળ્યા મુજબ ધનજી ઓડ ચાંદખેડામાં બંગલો ભાડે રાખીને રહે છે, આ બંગલામાં પણ પોલીસને કોઈ મળ્યું ન હતું. ઢબૂડી માનો ભૂવો ધનજી ઓડ આ બંગલાનું મહિને 36,000 રૂપિયા ભાડું ચુકવે છે. પોલીસે તેની વિરુદ્ધની અરજીના સંદર્ભે પુરાવા એકઠા કરી રહી છે.

રૂપાલના ગામજનોના કહેવા પ્રમાણે ઢબૂડીમાતાના દરબારમાં દસથી પંદર હજાર લોકો માથું નમાવવા આવતાં હતાં. વિજ્ઞાનજાથાના સર્વે પ્રમાણે તે એક સપ્તાહમાં 80 લાખથી એક કરોડની આવક મેળવતો હતો. જાણકારી મળ્યા મુજબ ધનજી અને તેના સાગરિતો દ્વારા શરૂઆતમાં ગરીબો અને તે પછી મધ્યમવર્ગના લોકોને ટાર્ગેટ કર્યા હતાં. જેથી તેઓને સહેલાઈથી માતાજીના નામે જાળમાં ફસાવી શકાય. ગાંધીનગરમાં દબાણ વધતાં આખરે તેણે સ્થળ બદલ્યું હતું. અને રૂપાલમાં ડેરાતંબુ તાણ્યાં હતાં, અહીં તેણે ખેતર ભાડે લીધું, શેડ બનાવ્યો અને ત્યાં મોટાપાયે દરબાર ભરતો હતો.

જ્યારે દરબાર ભરાય ત્યારે ધનજીના સાગરીતો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેતાં અને નવા લોકો આવે તેમને ઢબૂડીમાતાના પરચાની વાતો કરતાં અને નવા લોકોને ભોળવતાં હતાં. ધનજી ઓડ ધૂણતી વખતે માથે ચૂંદડી ઓઢેલી રાખે, અને ધૂણે અને તમામ દુખીયા લોકોના પ્રશ્નોના જવાબ આપે, માનતા આપે. ઢબૂડીમાતાની સભામાં ઢબૂડી(ઢીંગલી), બદામ, પિસ્તા, ચોકલેટ સહિતની ચીજવસ્તુઓ પ્રસાદી સ્વરૂપે ધરાવાતી હતી. આ પ્રસાદીનો સામાન પણ ઢબૂડીમાતાના મળતિયાઓ જ વેચતાં હતાં.

પણ હવે ઢબૂડી માની લીલાનો પર્દાફાશ થયો છે, વિજ્ઞાન જાથા અને પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે હવે તે ફરાર છે. પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે, તેની વિરુદ્ધ પુરાવા એકઠી કરી રહી છે.