ડીસા બ્લાસ્ટ મામલો, મૃત્યુઆંક 22 પર પહોંચ્યો, આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર

બનાસકાંઠાના ડીસામાં ગત 1 એપ્રિલ, 2025ના રોજ એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં થયેલા ભયંકર વિસ્ફોટ અને આગની ઘટનાએ 22 લોકોનો ભોગ લીધો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. તાજેતરમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 23 વર્ષીય વિજય કાજમી નામના યુવકનું મોત થયું, જેના કારણે મૃત્યુઆંક 22 પર પહોંચી ગયો છે. DNA રિપોર્ટના આધારે બે મૃતકોની ઓળખ લક્ષ્મી અને સંજય તરીકે થઈ છે, જેમાંથી સંજયનો મૃતદેહ એમ્બ્યુલન્સ દ્વારા મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો.

આ ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ મોનાણી અને તેમના પુત્ર દીપક મોનાણી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. 3 એપ્રિલ, 2025ના રોજ કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીઓ માટે પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે આરોપી દીપક સિંધી ભાજપના પ્રાથમિક સભ્ય રહી ચૂક્યા છે અને 2014-17 દરમિયાન ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી તરીકે સેવા આપી હતી.

આ દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલા 18 શ્રમિકોના અંતિમ સંસ્કાર નર્મદા નદીના નેમાવર ઘાટ પર એકસાથે કરવામાં આવ્યા. મૃતદેહોને પહેલા તેમના પૈતૃક ગામ સંદલપુર લઈ જવાયા, જ્યાં સ્વજનોએ અંતિમ દર્શન કર્યા બાદ નેમાવર ખાતે મુખાગ્નિ આપવામાં આવી. આ ઘટનામાં 19 મૃતદેહ પરિવારજનોને સોંપાઈ ચૂક્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, ડીસાના GIDC વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં મંગળવારે થયેલા વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે શ્રમિકોના શરીરના અંગો 50 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. નજીકના ખેતરોમાંથી પણ માનવ અંગો મળી આવ્યા હતા. આગ ફેલાતાં દુર્ઘટના વધુ ગંભીર બની, જેમાં 5થી 8 વર્ષના બાળકો સહિત 21 શ્રમિકોના જીવ ગયા હતા.