અમદાવાદમાં AMTS બસની ફરિયાદ હવે વ્હોટ્સએપ પર થશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસોમાં મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા આવે તો હવે મુસાફરો આંગળીના ટેરવે ફરિયાદ નોંધાવી શકે છે. AMTSએ મુસાફરોની ફરિયાદો ઝડપથી નોંધવા અને નિરાકરણ લાવવા માટે બે વ્હોટ્સએપ નંબર—8511171941 અને 8511165179—જાહેર કર્યા છે. આ નંબરો પર મુસાફરો ફોટો અને વીડિયો મોકલીને ફરિયાદ કરી શકે છે, જેના આધારે તંત્ર તાત્કાલિક તપાસ કરી જવાબદાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે.

મુસાફરો ડ્રાઇવરના ઓવરસ્પીડ બસ ચલાવવા, બસ સ્ટેન્ડ પર ન ઉભી રાખવી, મુસાફરો સાથે ઉદ્ધત વર્તન, બસમાં ગંદકી, ખરાબ હાલત કે અન્ય ખામીઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે. દરરોજ લગભગ એક લાખથી વધુ મુસાફરો AMTS બસોમાં મુસાફરી કરે છે. આવા મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને ઉત્તમ પરિવહન સેવા મળે તે માટે આ પહેલ શરૂ કરાઈ છે.

AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ મુસાફરો ટેલિફોનિક ફરિયાદ નોંધાવતા હતા, જેની તપાસ પછીના દિવસે થતી હતી. હવે વ્હોટ્સએપ પર ફોટો અને વીડિયો આધારિત ફરિયાદથી તાત્કાલિક તપાસ શક્ય બનશે. ઉદાહરણ તરીકે, જો ડ્રાઇવર બસ સ્ટેન્ડ પર ઉભી ન રાખે કે વધુ ઝડપે ચલાવે, તો મુસાફરો તુરંત વીડિયો મોકલી શકે છે, જેના પર ત્વરિત કાર્યવાહી થશે. વ્હોટ્સએપ ઉપરાંત, મુસાફરો ટોલ-ફ્રી નંબર 18002330881 પર પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ પગલાંથી AMTSની સેવાઓને વધુ કાર્યક્ષમ અને મુસાફરોની સુવિધા માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.