ગુજરતમાં ઠંડીનું જોર યથાવત્, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે વહેલી સવારથી ઠંડી સાથે શૂશવાટા મારતા પવનનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી શહેરના લઘુતમ તાપમાનમાં પણ 1 થી 4 ડિગ્રીનો ઘટાનો નોંધાયો છે. રાજ્યભરમાં તાપમાનની વાત કરવામાં આવે તો ગુરૂવારે અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે અમરેલી 13.8 ડિગ્રી, ભાવનગર 16.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, રાજકોટમાં 10.7 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જેના કારણે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હશે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જ નોંધાયુ હતું. આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવાથી તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા બર્ફીલા પવનના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.  નોંધનીય છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સિવાય અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.