PM મોદી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગુજરાત પ્રવાસે તેમણે કેટલી મહત્વની બેઠકો પણ કરી છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલને પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ PM મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે. ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને PMO તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે. આમ જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરાને એપ્રિલ 2023માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેની સારવાર અર્થે મુખ્યમંત્રીને અમેરિકા જવુ પડે એમ છે. અને આગામી દોઢ સપ્તાહમાં એટલે કે 25 સપ્ટેમ્બર આસપાસ મુખ્યમંત્રી પટેલ પોતાના દીકરા સાથે અમેરિકા જઈ શકે છે. પરંતુ પ્રશ્ન ઊભો એ થાય કે મુખ્યમંત્રીની અમેરિકા જાય તો, આવા સંજોગોમાં CMનો ચાર્જ શું કોઈને સોંપવામાં આવશે? અને કોને સોંપાશે?
અહિં નોંધનીય છે કે સામાન્ય રીતે પ્રાકૃતિક કે અપ્રાકૃતિક સંજોગોમાં મુખ્યમંત્રીને આકસ્મિક બહાર જવાનું થાય તો તેનો ચાર્જ સોંપવો પડે એ નિયમ હોય છે. પરંતુ કોને ચાર્જ સોંપવો એ માટેના કોઈ નિયમ નથી. જો કે, આદર્શ સ્થિતિ પ્રમાણે એવા કેબિનેટ મંત્રી કે જે નંબર 2 અથવા નંબર 3 પોઝિશન પર હોય તેને ચાર્જ આપી શકાય છે. જો મુખ્યમંત્રી અમેરિકા જાય અને ચાર્જ સોંપવો પડે તેમ હોય તો હાલ સરકારમાં નંબર 2 મંત્રી તરીકે નાણામંત્રી કનુ દેસાઈ છે, જ્યારે નંબર 3 પોઝિશન પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે. આ બંને પૈકી એક પર ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો કળશ ઢોળાઈ શકે છે. જો કે મુખ્યમંત્રી કોઈને પણ ચાર્જ સોંપી શકે છે તો ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હર્ષ સંઘવીનું નામ પણ આ યાદીમાં અગ્રેસર છે. કેટલાક રાજકીય નિષ્ણાતો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ધારે એ વ્યક્તિને ચાર્જ આપી શકે છે અથવા તો પોતાના ખાતા અલગ અલગ મંત્રીઓ વચ્ચે વહેંચી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરવા માટે પણ મંત્રીની નિમણૂક કરવાની રહેતી હોય છે. જો કે, સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીના બે સલાહકાર એવા હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠોડ હોવાને કારણે મુખ્યમંત્રીનો ચાર્જ અન્ય કોઈને ન સોંપે તો પણ ચાલી શકે છે.