ચાંગોદર ડબલ મર્ડર: બે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

અમદાવાદ : ચાંગોદરમાં 14 એપ્રિલ, 2025ના રોજ દેરાણી-જેઠાણી જતનબહેન સોલંકી અને સોનબહેન સોલંકીની પથ્થરો મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી, ચાર ટીમો અને 150થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આરોપી ભોલે કોલ (ઉં. 47)ને મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી ઝડપી પાડ્યો. આરોપીએ 15 મિનિટમાં બંને વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

ઘટના સાણંદ તાલુકાના ચાંચરાવાડી વાસણા ગામના ગોચરમાં બની, જ્યાં માટોડા ગામની રહેવાસી બંને મહિલાઓના મૃતદેહ મળ્યા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી. આરોપી ભોલે કોલ, જે ચાંગોદરની એક કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતો હતો, ઘટના બાદ વતન ભાગી ગયો હતો. LCBએ મધ્યપ્રદેશના પ્રતાપપુર ગામમાંથી તેને ઝડપી લીધો.

પોલીસના જણાવ્યા મુજબ, ભોલે પીડિતાઓને ઓળખતો હતો. ઘટનાના દિવસે તેણે એક વૃદ્ધા પાસે શરીરસુખની માગણી કરી, પરંતુ ના પાડતાં ગુસ્સામાં પથ્થર મારી હત્યા કરી. બીજી વૃદ્ધાએ ભાગવાનો પ્રયાસ કરતાં તેનો પીછો કરી તેની પણ હત્યા કરી. આરોપીએ આ બધું 15 મિનિટમાં અંજામ આપ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી, આગળની કાર્યવાહી શરૂ કરી છે.