ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ પાછલા થોડા દિવસોથી કાબૂમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે હાલુ સુધી ચાંદીપુરા વાયરસને લઈ સ્થિતિ સુઘરી નથી. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 59 કેસ નોંધાયા છે અને તેમાંથી ચાંદીપુરા વાયરસના કારણે 27 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિએ ચાંદીપુરાથી મૃત્યુદર ચિંતાજનક 50 ટકા જેટલો છે.
ચાંદીપુરા વાયરસના કેસ સૌથી વધુ 1થી 5 વર્ષના બાળોકોમાં જોવા મળ્યા છે. 1થી 5 વર્ષના 33 બાળકો ચાંદીપુરાથી સંક્રમિત થયા હતા અને તેમાંથી 12 બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 6થી 10ની વર્ષના 9 બાળકોને ચાંદીપુરા ભરખી ગયો છે. સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે. જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતમાં જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબૂલાત કરેલી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી અનુસાર 6 ઓગસ્ટ સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 71 મૃત્યુ થયા છે. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ થયા હતા. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે. પરંતુ સંસદમાં જારી થયેલા આંકડાથી ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે.