ચાંદીપુર અપડેટ: બનાસકાંઠા, પંચમહાલમાં વધ્યો વાયરસનો કહેર..

રાજ્યમાં ધીમે પગલે ચાંદીપુરા પગ પેસારો કરી રહ્યું છે. ત્યારે એક બાદ એક જિલ્લામાં ચાંદીપુરાના કેસો સામે આવી રહ્યા છે. કેટલીક વિસ્તારમાં ચાંદીપુરાએ બાળકાના જીવ લઈ લીધા છે. ત્યારે આજે પંચમહાલમાં કુલ ચાંદીપુરા વાયરસના 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 4 બાળકોના મોત થયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલમાં રહેતા દાહોદ જીલ્લાના એક ગામના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય એક કિશોરનું ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

પંચામહાલ જિલ્લાના ગોધરા, મોરવા હડફ,કાલોલ અને ઘોઘંબા તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા છે. હાલ સુઘીમાં જિલ્લામાં કુલ 11 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જે પૈકી ચાર અસરગ્રસ્ત બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. જીલ્લામાંથી મળી આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં અસરગ્રસ્ત બાળકોના સીરમ સેમ્પલ પુણા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે પૈકી બે સેમ્પલના રિપોર્ટ આવ્યા છે, જેમાં ઘોઘંબાના લાલપરી ગામની નવ વર્ષીય કિશોરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે આ કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે એક કિશોરને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે,જેમાં દાંતીવાડા ખાતે 16 વર્ષની કિશોરને તાવ, જાડા, ઉલટી,ચક્કર આવતા આરોગ્ય વિભાગ દ્વારા કિશોરના સેમ્પલ લઇ ગાંધીનગર ખાતે મોકલવા આવ્યો છે. જે બાદ કિશોરને અમદાવાદ ઝાયડન્સ હોસ્પિટલ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યો આરોગ્ય વિભાગે આગળની તપાસ હાથ ધરી છે.

જીલ્લામાંથી આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 220 સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ જીલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ,તિરાડો પુરવાની અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.