શહેરમાં ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા, ઉત્સાહથી ઉજવણી

અમદાવાદઃ શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઊજવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાના પર્વની શુક્રવાર અને શનિવારે માન્યતા પ્રમાણે  સંપ્રદાયો, શૈક્ષણિક સંસ્થાઓ,  ગુરૂકુળો અને ધાર્મિક સંસ્થાઓએ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવણી કરી હતી. શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠમાં રંગ અવધૂત મંદિરમાં શુક્રવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.

જ્યારે મોટા ભાગની શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષકો, આચાર્યને વોઇસ મેસેજ વિડિયો દ્વારા ગુરુ- શિષ્યની પરંપરાને યાદ કરી વંદન કર્યા હતા. શહેરની ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આજે આચાર્ય-વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને સંચાલકોએ ભાગ લીધો હતો, જેનું લાઇવ સ્ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું.

ત્રિપદા સ્કૂલ, ગુરુકુળોના શિષ્યોની આચાર્ય વંદના અને સંપ્રદાયના સંતો, મહંતોના પૂજન ના કાર્યક્રમોથી  ગુરૂ શિષ્યની પરંપરા દીપી ઉઠી હતી.

કોરોનાના સમયમાં સોશિયલ મિડિયા દ્વારા પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. Corona Virus, Covid_19

(પ્રજ્ઞેશ વ્યાસ)