અમદાવાદઃ અત્રે ફાર્મા ઉદ્યોગની અગ્રણી કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સને worldkings.org. દ્વારા 100 રેકોર્ડ હોલ્ડર્સમાંથી ‘બેસ્ટ રેકોર્ડ હોલ્ડર્સ’ જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે તા.24 માર્ચના રોજ ‘વર્લ્ડ ટ્યુબર્ક્યૂલોસિસ ડે’ પ્રસંગે કેડિલાએ ‘ફાઈટ અગેઈન્સ્ટ (ટીબી) ટ્યુબર્ક્યૂલોસિસ’ ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝૂંબેશ દરમ્યાન કેડિલાની ટીમને દેશભરના ડોક્ટરો પાસેથી આશરે 7215 સંદેશા પ્રાપ્ત થયા હતા. આ નમ્ર પ્રયાસ દ્વારા ‘દુનિયામાંથી ટીબીની મહામારીનો અંત’ માટે જાગૃતિ વધારવામાં કંપનીએ મોટું યોગદાન આપ્યું હતું.
વર્લ્ડકીંગ્સ દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે 4થી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં દુનિયાના આશરે 100 રેકોર્ડ હોલ્ડર્સમાં કેડિલાને ‘શ્રેષ્ઠ રેકોર્ડ હોલ્ડર્સ’ જાહેર કરવામાં આવી હતી. વર્લ્ડ રેકોર્ડઝ યુનિયન (વર્લ્ડકીંગ્ઝ) એ રાષ્ટ્રિય અને પ્રાદેશિક રેકોર્ડઝ સંસ્થાઓનો દુનિયાનો પ્રથમ સંઘ (યુનિયન) છે. વર્લ્ડકીંગ્ઝની સ્થાપના વર્ષ 2013માં 25 બિઝનેસ પાર્ટનર્સ અને પ્રારંભિક સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ પણ તેની સભ્ય છે. આમાં સામેલ થનારે વર્લ્ડકીંગ્ઝ દ્વારા આકરા મૂલ્યાંકનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
ટીમ કેડિલાને આ અનોખા પ્રયાસ બદલ મળેલા બહુમાનથી પ્રોત્સાહિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ- ડોમેસ્ટીક બિઝનેસ, જાવેદ ઝીયા જણાવે છે કે “કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ખાતે અમે હંમેશા ઈનોવેશન તથા ખૂબ જ પોસાય તેવા ગુણવત્તા ધરાવતા ઔષધો મારફતે લોકોને સર્વિસીસ પૂરી પાડવા પ્રયત્નશીલ છીએ. અમને એ વાતનો આનંદ છે કે ટીબી સામે જાગૃતિ ઉભી કરવાની અમારી સોશ્યલ મિડીયા ઝૂંબેશને દેશભરના ડોક્ટરોનો સહયોગ પ્રાપ્ત થયો છે. અમને મળેલું આ બહુમાન અમારા પ્રયાસોને મજબૂત બનાવી ટીબી નાબૂદ કરવામાં સાચી દિશાનું કદમ પૂરવાર થશે.”