ગુજરાતમાં બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડ, ATSએ 23 આરોપીઓની ધરપકડ કરી

ગુજરાત ATSએ નાગાલેન્ડ અને મણિપુરના બોગસ હથિયાર લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી તાજેતરમાં વધુ 16 શખસો ઝડપાયા છે. ATSએ આરોપીઓ પાસેથી 15 હથિયારો અને 489 કારતૂસ કબજે કર્યા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ 50 હજારથી લઈને 25 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવીને આ બોગસ લાઇસન્સ મેળવ્યા હતા.

આખી વાત એમ છે કે, 3 એપ્રિલના રોજ નકલી લાઈસન્સના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરત ભરવાડ નામના શખસની ધરપકડ કરી. તેની પાસેથી ગેરકાયદે પિસ્તોલ મળી, જેની તપાસમાં મુકેશ ભરવાડ નામનો શખસ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું. તેણે ભરતને 7 લાખ રૂપિયામાં ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ અપાવ્યું હતું. આ તપાસ બાદ ATSએ 8 એપ્રિલે 7 આરોપીઓની ધરપકડ કરી, જેમની પાસેથી 6 હથિયારો અને 135 કારતૂસ કબજે કર્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓના નામ સામે આવ્યા, જેમને તાજેતરમાં ઝડપી લેવાયા.

આરોપીઓ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં હથિયારોનું પ્રદર્શન કરી લોકોને આકર્ષતા હતા. તેઓ આધાર કાર્ડ, ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા દસ્તાવેજો એકત્ર કરી થોડા દિવસોમાં જ બોગસ લાઇસન્સ અને હથિયારો આપી દેતા હતા. આ લાઇસન્સ મુખ્યત્વે નાગાલેન્ડ અને મણિપુરમાંથી બનાવવામાં આવતા હતા. હરિયાણાના નૂહમાં રહેતા સૌકત અલી, ફારૂક અલી, સોહિમ અલી અને આસિફ નામના શખસો આ લાઇસન્સ તૈયાર કરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની પણ શંકા છે. ઝડપાયેલા 16 આરોપીઓમાંથી 6 શખસોનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટ છેલ્લા 6 વર્ષથી સક્રિય હતું. આરોપીઓએ અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 108 લોકોને બોગસ લાઇસન્સ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં એક ચર્ચા પણ શરૂ થઈ છે કે ગુજરાતના કેટલાક નામાંકિત વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા બોગસ લાઇસન્સ હોઈ શકે છે. ATSએ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ATSએ 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને વધુ શખસોની શોધખોળ ચાલુ છે. હરિયાણાના નૂહમાં રહેતા ગનશોપના માલિકો સહિત કેટલાક મળતિયાઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. ATSના ડીઆઇજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આર્થિક લાભ માટે આ રેકેટ ચલાવ્યું હતું. તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, અને નાગાલેન્ડ-મણિપુરના તંત્રની સંડોવણીની ચકાસણી માટે પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે.