સુરતથી ફરી એક વખત ખોટા દસ્તાવેજોની આડમાં એક પર પ્રાંતી યુવક ઝડપાયો છે. ચોક્કસ બાતમીના આધારે સુરત SOGને આ પર પ્રાંતી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી કે, તે છેલ્લા દોઢ વર્ષથી ઝૂપડપટ્ટીમાં રહેતો હતો છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા (બાંગ્લાદેશી કરન્સી) આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એસઓજીને બાતમી મળી હતી કે, લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે લાલગેટ ખાતે પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. ત્યાં રહેતા યુસુફ સરદાર (ઉંમર 27), જે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે.
યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા, જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. એસ.ઓ.જી.ની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે, તેમનો પત્તો લગાવી રહી છે. આ અભિયાન સુરત શહેરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરાયું છે.