SSCનું પરિણામઃ સુરત જિલ્લો 75.64-ટકા સાથે પ્રથમ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ-એપ્રિલમાં ધોરણ-10 (એસએસસી)ની લેવામાં આવેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 65.18 ટકા આવ્યું છે. સુરત જિલ્લો 75.64 ટકા સફળતા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે પાટણ જિલ્લો સૌથી ઓછી ટકાવારી સાથે છેલ્લા નંબરે રહ્યો છે – 54.29 ટકા. અમદાવાદ શહેરમાં 63.18 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગ્રામ્ય અમદાવાદમાં પાસ ટકાવારી 63.98 ટકા છે. આ વખતની પરીક્ષામાં પણ છોકરાઓ સામે છોકરીઓ મેદાન મારી ગઈ છે. છોકરાઓ કરતાં 11.74 ટકા વધારે છોકરીઓએ ધોરણ 10માં પાસ થઈ બતાવ્યું છે.

આ વખતે સમગ્ર રાજ્યમાં 81 ઝોનના 958 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી હતી. 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. એમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે જે 65.18 ટકા થવા પામે છે. સમગ્ર ગુજરાતમાં 2,532 વિદ્યાર્થીઓએ A-1 મેળવ્યો છે (91-100 ટકા માર્ક).

વિદ્યાર્થીઓ આ પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકે છે. www.gseb.org

SSC Result Book 2022