સુરતમાં સામૂહિક ઝેરીકરણનો પ્રયાસ! પોલીસે તપાસના ચક્રો કર્યા તેજ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડાયમંડ કારખાનામાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ સેલફોસનું પાઉચ ભેળવી દેતાં 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી હતી. આ ઘટના ગત રોજ સવારે સાડા આઠ વાગ્યે નોકરી પર આવેલા કર્મચારીઓએ પાણી પીધા બાદ એકાએક ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો હતો. તપાસ દરમિયાન ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં જંતુનાશક તરીકે વપરાતી ગોળીઓનું પાઉચ) મળી આવતાં સામૂહિક હત્યાના ષડયંત્રની આશંકા ઘેરાઈ છે.

આ ઘટના બાદ ઉતાવળે 104 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલ અને 14ને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જેમાંથી 6 રત્નકલાકારોની હાલત ગંભીર થતાં તેમને ICUમાં દાખલ કરાયા છે. તમામ અસરગ્રસ્તોને 24 કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનાને હત્યાનો પ્રયાસ ગણી BNS 109(1) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફિલ્ટરની આસપાસ સીસીટીવી ન હોવાથી પોલીસને શંકા છે કે આ કૃત્ય કારખાનાની અંદરના જ કોઈ કારીગરે કર્યું હશે. કારખાનામાં પ્રવેશવા માટે બે ગ્રિલ દરવાજાઓ છે, જે દર્શાવે છે કે બહારની વ્યક્તિ માટે આટલી સરળતાથી અંદર પહોંચવું મુશ્કેલ છે. FSLની ટીમ સાથે પોલીસે તપાસ તેજ કરી છે અને 118 અસરગ્રસ્તો સહિત કારખાનાના તમામ કર્મચારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

મેનેજરના ભાણેજ નિકુંજે ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ કરતાં મુખ્ય મેનેજર હરેશભાઈએ તપાસ કરી હતી, જેમાં ફિલ્ટરમાં તરતું સેલફોસનું પાઉચ મળી આવ્યું હતું. આ ઘટનાએ કારખાનામાં ગભરાટ ફેલાવ્યો હતો. પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ તંત્ર પાસેથી વિગતો મેળવી છે. કારખાનાના માલિક જીવરાજભાઈ ગાબાણી, જેઓ સુરતમાં પાંચથી વધુ હીરાના કારખાના ચલાવે છે,એ આ ઘટનાથી ચોંકી ગયા હતા અને તેમણે તાત્કાલિક પગલાં લઈને કર્મચારીઓને સારવાર માટે ખસેડ્યા હતા.