અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત રૂપિયા હેઠવાની લાલચમાં હોસ્પિટલે બે દર્દીના જીવની આહુતી આપી હોવાની ઘટના પ્રકાશ આવી છે. ધરતી પરના ભગવાન સમાન ડોક્ટરની લાલચનો ભોગ બન્યા બે દર્દીના જીવ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડી પંથકના બે દર્દીઓનો મોત નિપજ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, તબીબોએ ખોટી રીતે દર્દીને દાખલ કરી ઓપરેશન કર્યું હતું. પરિવારજનોને પૂછ્યા વિના જ દર્દીને સ્ટેન્ટ મૂકી દીધાં. જેના કારણે દર્દીનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળી રહ્યુ છે કે, થોડા સમય પહેલા કડીમાં ફ્રી હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાં છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. ત્યારે મૃતક દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે દર્દીનું મોત થયું છે. દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો.
આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, ‘અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.’ વધુમાં આરોગ્ય મંત્રીએ ખાતરી આપતા કહ્યું, આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.’ નોંધનિય છે કે હાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે.
PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ…
— Rushikesh Patel (@irushikeshpatel) November 12, 2024
આપને જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર આવવું તે પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. તે વખતે પણ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે.