અમરેલી લેટરકાંડઃ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ તપાસ

અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે. રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે.

કોંગ્રેસે આજે (13 જાન્યુઆરી) માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનારી યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાંની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણાં માટે મંજૂરી આપી ન હતી, એને લઇને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણાં પર આવીને બેસી જઈશું, જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણાં કરવાના શરૂ કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.  અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ. જી. ગોહિલ, મહિલા P.I. આઇ. જે. ગીડા, મહિલા PSI એચ. જે. બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.