આવતીકાલે એટલે કે 16 જાન્યુઆરીના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે આવશે. અમિત શાહના કાર્યક્રમને લઈને વડનગરમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. આવતી કાલે વડનગરમાં આકાર લઇ રહેલા મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા અમિત શાહ કરશે, ત્યાર બાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે. અમિત શાહના આગમનને પગલે કેટલાક તૂટેલા રોડ, રસ્તાઓ ચકાચક કરી દેવામાં આવ્યા છે તો કેટલાંક સ્થળે કલરકામ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ.33.50 કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના રમત સંકુલ વડનગર રમત સંકુલનું લોકાર્પણ તારીખ 16મી જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી , ખો-ખો, જુડો જેવી રમતો માટે જિલ્લા, તાલુકા અને રાજ્ય તેમજ નેશનલ કક્ષા સુધીના ખેલાડીઓ રમી શકાય એવાં મેદાનો જેવી સગવડ મળી રહેશે. આ રમતોના કોચિંગ સેન્ટરની ક્ષમતા ધરાવતું આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય એવું છે, જેનાથી ખેલાડીઓને સગવડો અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરશે એ સંકુલ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ “પ્રેરણા” પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો છે, જે એક અનુભવાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે. એ મૂલ્ય શિક્ષણ ‘પ્રેરણા’ વડનગરથી શરૂ થઈ રહ્યું છે. આ દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે. એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક (10 છોકરા અને 10 છોકરી) અને 10 ગાર્ડિયન ટીચરોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગર ખાતે ડેવલપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડની મુલાકાત લેશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 41 કરોડમાં આકાર લઈ રહેલા ડેવલપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ રિસ્ટોરેશન પ્રાઇવેટ એન્ડ ગવર્નમેન્ટ બિલ્ડિંગ અંતર્ગત વડનગરમાં 145 બિલ્ડિંગનું પુનઃ રિનોવેશન કરાશે, જેમાં એમાંથી વડનગરના વિરાસતને સાચવતાં 15 બિલ્ડિંગ ફસાડ રિસ્ટોરેશન તૈયાર થઈ ચૂક્યાં છે.