અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી નગરજનોને રાહત આપવા હીટ એક્શન પ્લાન હેઠળ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. NGO અને બિલ્ડરોના સહકારથી શહેરમાં 600થી વધુ પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહે. આ ઉપરાંત, ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને શહેરના આશરે 70 ટ્રાફિક જંકશનો બપોરના તીવ્ર ગરમીના સમયે બંધ રાખવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક પોલીસ અને રાહદારીઓને ગરમીની અસરથી બચાવી શકાય.
મ્યુનિસિપલ સ્કૂલોમાં સમયસર ફેરફાર કરીને દર દોઢ કલાકે પાણી પીવા માટે ખાસ બેલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. શહેરની મુખ્ય હોસ્પિટલો જેમ કે શારદાબેન, LG, SVP, VS અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ગરમીથી પીડાતા દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 100થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઈને આ યોજનાને સફળ બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મેયરે બિલ્ડરોને સૂચના આપી કે બાંધકામ સ્થળોએ કામદારોને વહેલી સવારે અને સાંજે કામ આપવું, જેથી ગરમીની અસર ઘટે. અધિકારીઓને એવું પણ કહેવામાં આવ્યું કે પાણીની પરબો કે અન્ય સુવિધાઓ માટે NGOને સંપૂર્ણ સહયોગ આપવો, અને દરેક વોર્ડમાં ઓછામાં ઓછી 25 પાણીની પરબો શરૂ થાય તેની ખાતરી કરવી. આ સાથે, UHC દ્વારા સામાજિક સંસ્થાઓને મફત ORS પેકેટ્સ આપવામાં આવશે, તેમજ BRTS અને AMTS ડેપો પર પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
