ST સ્ટેન્ડ પર પાણી, BRTS સ્ટેન્ડ પર ORSનું વિતરણ, હીટવેવ ખાળવા પ્રયાસ

અમદાવાદ: રાજ્યમાં હવે ઉનાળો જામ્યો છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. આગામી 26થી 28 એપ્રિલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવનો ફૂંકાશે.

આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખતા મ્યુનિસિપલ કોર્પોરેશને એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બાગ બગીચાઓ હવે રાતનાં 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. એસટી ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બીઅઆરટીએસનાં સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે ગઇકાલે એટલે બુધવારે 102 લોકોને ગરમીની અસર થઇ હતી. જેમાં 24 લોકો બેભાન થઇ ગયા હતાં.

અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.26 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જવાની હવામાન ખાતાએ આગાહી કરી છે સાથે જ રેડ એલર્ટની પણ આગાહી કરી છે.

આગામી 6 દિવસમાં તાપમાન કેટલું રહેશે

તારીખ          તાપમાન

  • 25 એપ્રિલ      44 ડિગ્રી
  • 26 એપ્રિલ      45 ડિગ્રી
  • 27 એપ્રિલ      45 ડિગ્રી
  • 28 એપ્રિલ      45 ડિગ્રી
  • 29 એપ્રિલ      44 ડિગ્રી
  • 30 એપ્રિલ      44 ડિગ્રી

 

ગરમીથી બચવા આટલું જરૂર કરો

  • વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
  • લાંબો સમય તડકામાં ન રહેવું.
  • હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
  • બપોરે 12થી 5 દરમિયાન કામ વગર બહાર ન નીકળવું. નાના બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.