દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે, અને ગુજરાત સહિત દેશમાં ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરી ફટાકાડ ફોડીને ગુજરાતમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. વધુ માત્રામાં ફટાકડા ફોડવાથી હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી જતી હોય છે. જે શ્વાસમાં લેવાથી ગંભીર બીમારી નોંતરી શકાય છે. ખાસ કરીને જે લોકોને શ્વાસ સંબંધિત બીમારી પહેલેથી જ હોય તેમના માટે તો આ વાયુ પ્રદૂષણ હાનિકારક કરતાં પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં સુરત શહેરનો AQI સૌથી ઊંચો રહ્યું હતું. એટલે કે, ગુજરાત રાજ્યમાં સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર છેલ્લા દસ દિવસ મુજબ સુરત શહેર રહ્યું હતું. સુરત શહેરનો AQI 201થી 300ની વચ્ચે હતો. કારણ કે, જ્યારે 200થી વધુ AQI હોય ત્યારે WHO મુજબ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તાજેતરમાં જ દિવાળીના તહેવાર પહેલાં સુરત શહેરમાં ગત 26 ઓક્ટોબરના રોજ સૌથી વધુ 281 AQI નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં સૌથી પ્રદૂષિત હવા રહી છે. જ્યાં AQI 450ને પાર ગયું હતું. પરંતુ દિલ્હી શહેરની વચ્ચે ઇન્ડસ્ટ્રિયલ એરિયા હોવાથી ત્યાં હંમેશાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન અને તેના કરતાં પહેલાં ગુજરાત રાજ્યની હવા ખૂબ જ પ્રદૂષિત રહી હતી. ખાસ કરીને CPCBના 26 ઓક્ટોબરના રિપોર્ટ મુજબ સુરત સહિત અમદાવાદ શહેરમાં પણ સૌથી વધુ પ્રદૂષિત હવાનું પ્રમાણ હતું. અમદાવાદ શહેરમાં પણ ગત 26 ઓક્ટોબરના રોજ 231 AQI નોંધાયો હતો.
WHO અનુસાર જ્યારે કોઈપણ શહેરમાં AQI 0-50 હોય તો તેને સારી હવા માનવામાં આવે છે. આનાથી મનુષ્યને કોઈપણ નુકસાન થતું નથી. AQI 51- 100 હોય ત્યારે તેને સહી શકાય તેટલું પ્રદૂષણ કહેવામાં આવે છે. જે લોકોને શ્વસનતંત્રને લગતી તકલીફ હોય તેમને થોડા પ્રમાણમાં આ એર ક્વોલિટીથી તકલીફ થઈ શકે છે. AQI 101-200 તેને સામાન્ય કહેવામાં આવે છે તેનાથી અસ્થમા અને ફેફસાંને લગતી બીમારી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. AQI 201-300 હોય ત્યારે તેને પ્રદૂષિત હવા કહેવામાં આવે છે. વધુ સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી ફેફસાં અને શ્વસનતંત્રને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. AQI 301-400 હોય ત્યારે તેને અતિ ગંભીર હવા માનવામાં આવે છે તેનાથી શ્વસનતંત્રને ગંભીર હાનિ પહોંચી શકે છે. જ્યારે AQI 400થી વધુ હોય ત્યારે સ્વસ્થ લોકો પણ બીમાર થઈ શકે છે.