અમદાવાદ સ્ટેટ મોનીટરીંગ સેલે ઈ-સિગારેટ સાથે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરના વિખ્યાત રાજપથ રંગોલી રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી કરી પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પાપાગો નામની પાન પાર્લર પર દરોડો પાડીને 434 ઈ-સિગારેટ અને વેપ કબ્જે કર્યા છે, જેની કિંમત અંદાજે 4.91 લાખ રૂપિયા છે. ઉપરાંત, આરોપી પાસે 4.24 લાખ રોકડા તેમજ 34 લાખની બે ગાડીઓ પણ કબ્જે કરાતા કુલ 43.31 લાખના મુદ્દામાલનો ખુલાસો થયો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઈ-સિગારેટનો જથ્થો મુંબઈના બશિર ઉર્ફે શાબાન પાસેથી લાવવામાં આવ્યો હતો. આ જાણ્યા બાદ પોલીસ ટીમે મુંબઈમાં સપ્લાયરની ધરપકડ માટે કાર્યવાહી શરુ કરી છે. આ કેસમાં મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના આરોપી વિરુદ્ધ COTPA Act, 2003 ની કલમ 7, 8, 20 તથા Prohibition of Electronic Cigarette Act, 2019 ની કલમ 7, 8 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં ઈ-સિગારેટના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લેભાગુ તત્વો ગેરકાયદેસર ધંધો ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, જેના કારણે સત્તાવાર તંત્ર આ પ્રકારના તત્વો વિરુદ્ધ કાર્યવાહી તીવ્ર કરી રહ્યું છે.