અમદાવાદ-શહેરના નવા બનેલા પશ્ચિમ ઝોનમાં શહેરી સુવિધાઓની કમી અંગે વારંવાર નાગરિકોની બૂમરાણ રહી છે ત્યારે આ વિસ્તારના લોકો માટે મોટી રાહતના ખબર છે. સીએમ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન નાખવા માટે રૂ. ૬૦ કરોડની વધારાની ખાસ ગ્રાન્ટ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલુ વર્ષ માટે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા પશ્ચિમ ઝોનના આશરે ૧પ૩ ચો. કિ.મી. વિસ્તારમાં હયાત સ્ટ્રોમ વોટર નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે ચાલુ વર્ષ ખાસ ગ્રાન્ટ તરીકે આ ૬૦ કરોડ રૂપિયા ફાળવવાની અમદાવાદ મહાપાલિકાની માગણી ગ્રાહ્ય રાખી મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૬૦ કરોડ ફાળવ્યાં છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીશ્રીએ ફાળવેલી આ રૂ. ૬૦ કરોડની ખાસ ગ્રાન્ટ તહેત મુખ્યત્વે થલતેજ રેલ્વે ક્રોસીંગથી શાંતિપૂરા ચોકડી થઇ જૂના વણઝર ખાતે સાબરમતી નદીને જોડતી એક નવી સ્ટ્રોમ વોટર ડકટ પાઇપ નાંખવા માટેના કામો હાથ ધરાશે.
તદઉપરાંત, ગોતા-ગોધાવી કેનાલ આધારિત પંપીંગ સ્ટેશન અને નેટવર્ક માટે તેમ જ વેજલપૂરમાં જ્યાં ચાલુ વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં રાઇઝીનીંગ મેઇન લાઇન સહિત સ્ટ્રોમ વોટર ડ્રેઇન પંપીંગ સ્ટેશન અપગ્રેડ કરવા અને સંલગ્ન નેટવર્ક તૈયાર કરવા માટેના કામોમાં પણ આ ખાસ ગ્રાન્ટની રકમ ઉપયોગમાં લેવાશે.