ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતી અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ પણ આ બેઠકમાં જોડાયાંં હતા.
મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતી અને રાજ્યના જિલ્લાતંત્રોની સજ્જતાની વિગતો મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ અને સચિવો પાસેથી મેળવી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતીની વિગતો મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક જયંત સરોકારે પ્રચાર માધ્યમોને આપી હતી. પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતીએ આ ‘મહા’ વાવાઝોડું તા. ૬ નવેમ્બર થી ૭ નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લેન્ડ ફોલ થવાની સંભાવના છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડાની હાલની તીવ્રતા ઇન્ટેન્સીટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. મહેસૂલ અધિક મુખ્ય સચિવે ઉમેર્યુ કે, મુખ્યમંત્રીએ સમગ્ર સ્થિતીનો સર્વગ્રાહી ચિતાર મેળવી સતર્કતા માટે જરૂરી સૂચનો કર્યા છે. રાજ્યના મુખ્ય સચિવ સાથે કેન્દ્રીય કેબિનેટ સચિવે પણ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજ્યની સ્થિતીનો જાયજો મેળવ્યો છે. આ સંદર્ભમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ પણ રાજ્યના જિલ્લા તંત્રવાહકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવવાના છે.
રાજ્યમાં હાલ ૧પ NDRF ટીમ તૈનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. તેની વિગતો આપતાં પંકજકુમારે કહ્યું કે, હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશીંગ બોટ પરત આવે તે છે. કુલ ૧૨૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે. રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કરાયો છે કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમજ વાવાઝોડાની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે. આગાહીઓને ધ્યાને રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે.
આ સંદર્ભમાં ખાસ કરીને મીઠાના અગરિયાઓ, નીચાણવાળા વિસ્તારો, બેટ વિસ્તારો, બંદરો અને બાંધકામ સાઇટ તેમજ વરસાદમાં કટ ઓફ – સંપર્ક વિહોણા થઇ જાય છે તેવા ગામડાઓ પ્રત્યે ખાસ આગોતરી સતર્કતા રાખવામાં આવી છે ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક જયંત સરકારે આ ‘મહા’ વાવાઝોડાની વર્તમાન સ્થિતીની માહિતી આપતા જણાવ્યું કે હાલ પ્રતિકલાક રર૦ કિ.મી.ની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે પરંતુ તેની તીવ્રતા આગામી દિવસોમાં ઘટી જવાની સંભાવનાઓ પ્રબળ છે. હાલ વેરાવળથી ૬૮૦ કિ.મી. દિવ થી ૭૩૦ કિ.મી. અને પોરબંદરથી ૬પ૦ કિ.મી.ના અંતરે દરિયામાં છે.
આગામી ૭ નવેમ્બરે આ વાવાઝોડું કલાકના ૮૦ થી ૯૦ કિ.મી. ઝડપે પવન સાથે દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે. આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે રાજ્યના દરિયા કિનારાના સુરત, ભરૂચ, વડોદરા, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ અમદાવાદ, આણંદ, ભાવનગર જિલ્લાઓમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.
મહેસૂલ અધિક મુખ્ય સચિવ અને ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEO અનુરાધા મલ, રાહત કમિશનર, રાહત નિયામક અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ વેળાએ જોડાયા હતાં.