કીમ-કોસંબા રેલવે ટ્રેક ઉથલાવવા મામલે થયો મોટો ઘટસ્ફોટ

સુરત: થોડા સમય પહેલા કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈ સુરત પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરત કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રેલકર્મીએ જ પેડલોક ઉંચકાવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વરોલી વાંકથી કીમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મુકવામાં આવી હતી. સાથે જ બોલ્ટ પણ મુકવામાં આવ્યા હતા. જો કે, રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ ઘટનાની તપાસમાં પોલીસની સાથે NIA પણ જોડાઈ હતી.

તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 5 વાગ્યે આસપાસ સુરતના કીમ કોસંબા રેલવેના પાટા પર જોગલ ફિશ પ્લેટ અને એસારસી પેડ લોક ખાલી અપલાઈન પર મૂકી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અનુસંધાને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સુરત ગ્રામ્ય SOGને સોંપાઈ હતી. LCB, SOG, પેરોલ તથા લોકલ પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની અલગ અલગ મુખ્ય 5 ટીમો અને બીજી 16 ટીમ કામે લાગી હતી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસ ગ્રીડ સર્ચ કરાવતા કોઈ ગુનાને લગત ચીજવસ્તુ મળી ન હતી. કંઈ શંકાસ્પદ ન મળતા ટીમને રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ હતી. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો હતો. જેમાં સુભાષે બંને સાથીદારોને નાઈટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે એવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપ ટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું હતું.

આમ, 48 કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેક્નિકલ આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો. ત્રણેય આરોપી રેલવે કર્મચારીઓ છે. અટકાયત 3 પૈકી એક કોન્ટ્રાક્ટ કર્મચારી છે. સુભાષ પોદ્દાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો. આરોપી સુભાષને પ્રમોશન જોઈતું હતું તેવો ખુલાસો સુભાષના સહકર્મચારીઓ દ્વારા કરાયો. રેલવેમાંથી ઈનામ મેળવવા, પ્રમોશન મેળવવા અને રજા માટે, સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુઅંસ માટે ષડ્યંત્ર રચ્યું હતું. રેલવેમાં આવા ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઈ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.