અમરેલી: ગુજરાતમાં અવાર નવાર જંગલ વિસ્તારમાંથી જંગલી પ્રાણી ગ્રામ્ય વિસ્તારમાં ઘસી આવવાની ઘટના સામે આવતી હોય છે. કેટલીક વખત જંગલીપ્રાણીની લાટર ગ્રામ્ય પશુ પ્રાણી માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે ફરી જાફરાબાદ પંથક વિસ્તારમાં વધુ એક વખત સિંહના હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જાફરાબાદ વિસ્તારની અંદર એક બાળકને સિંહણે ફાડી ખાધું હતું. આ વચ્ચે ફરી જાફરાબાદ પંથકમાં સાત વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની 7 વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા છે. સિંહણના હુમલા બાદ વન વિભાગ એક્શન મોડ આવ્યુ હતું. અને સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી, ગ્રામજનો, વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. તેમજ સ્થાનિક રહીશોમાં વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલાને લઇને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલાં જીકાદ્રી ગામમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આખી રાત વનવિભાગના વિવિધ અધિકારીઓની ટીમોનું “મેગા ઓપરેશન” હાથ ધર્યું હતું. ત્યારે વહેલી સવારે સિંહણને ટ્રાન્કયૂ લાઈઝ કરી દબોસી લીધી છે. સિંહણને પાંજરે પુરી એનિમલ કેરસેન્ટરમાં ખસેડાયો છે.