અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડમાં કામ કરતા કર્મચારીઓ માટે માઠા સમાચાર છે. હાલમાં જ રાજ્યનાં શહેરોમાં ટ્રાફિકનું સંચાલન કરી રહેલા 9000થી વધુ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓને ક્રમશઃ છૂટા કરવા માટેનો ઓર્ડર રાજ્ય પોલીસ વડા તરફથી કરવામાં આવ્યો હતો. એક જ જગ્યાએ પાંચ કે 10 વર્ષ સુધી કામ કરી રહેલા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા તરફથી થયેલા આદેશ પ્રમાણે રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં આશરે 9000 ટ્રાફિક બ્રિગેડના સભ્યોની માનદસેવા લેવામાં આવી રહી છે.
હવે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયે ટ્રાફિક બ્રિગ્રેડ (TRB) પર્સનલમાં મોટા પાયે ફેરબદલ કરવાની પણ જાહેરાત કરી છે. રાજ્યમાં સર્વિસમાં 10 વર્ષ કે તેથી વધુ વર્ષની સર્વિસ કરી હોચ એવી 1100 કર્મચારીઓ છે અને કમસે કમ 3000 કર્મચારીઓ કે જેમણે પાંચ વર્ષની સર્વિસ પૂરી કરી હોય અને જે કર્મચારીઓએ ત્રણ વર્ષ પૂરાં કર્યાં હોય તેવા 2300 કર્મચારીઓ છે, એમ નોટિફિકેશન કહે છે.
રાજ્યમાં પોલીસની મદદ માટે 9000થી વધુ TRB કર્મચારીઓ છે, જેઓ લાંબા સમયથી છે, જે વહીવટી રીતે યોગ્ય નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે TRBની ભૂમિકા માટે અને લાઇફટાઇમ નિયુક્તિ ના હોવાને કારણે સમયાંતરે આ નિમણૂકોની સમીક્ષા કરવાની જરૂર પડે છે.
આ TRBની ખાલી પડનારી જગ્યાઓને ફરીથી ભરવામાં આવશે, જેથી અન્ય લોકોને ટ્રાફિક બ્રિગ્રેડમાં સેવા કરવાની તક મળી રહે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે 10 વર્ષની સેવા કરનારા કર્મચારીઓને 30 નવેમ્બરે સેવામુક્ત કરવામાં આવશે અને જે કર્મચારીઓને પાંચ વર્ષથી સેવા આપતા કર્મચારીઓને 31 ડિસેમ્બરે કાર્યમાંથી મુક્ત કરવામાં આવશે. આ સાથે જે કર્મચારીઓએ ત્રણ વર્ષ સુધી સેવા આપી હોય તેમને 31 માર્ચ, 2024 સુધી કાર્યમુક્ત કરી દેવામાં આવશે.