વડોદરામાં ઉત્તરાયણના માંજાથી 35 લોકો થયા ઘાયલ, 108ને મળ્યા 328 કોલ

વડોદરા: ગુજરાતભરમાં ગઈકાલે હર્ષો ઉલ્લાસ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો હતો. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં પણ ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ તહેવારને મનાવવામાં આવ્યો હતો. ત્યારે આ તહેવાર ઘણા લોકો માટે ઘાતક સાબિત થયો હતો. ઉત્તરાયણ પર્વે પશુ અને પંખી સહિત માણસો માટે ઘાતક સાબિત થાય છે.

મકરસંક્રાતિમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓ ઉપરાંત 108 આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. આ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા 35 નાગરિકોને 108 મારફત દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની 108 આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સેવાએ ખડેપગે રહી હતી. તા.14ના એક જ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 328 લોકોએ મદદ માંગી હતી. જેમાંથી 260 દર્દીઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 35 લોકો પતંગના દોરાથી ઘાયલ થયા હતા. આવી રીતે ઘાયલ દર્દીઓને પણ 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર કરાવવામાં આવી હતી.