વલસાડ– ધર્મપરિવર્તન મામલે વલસાડ જિલ્લામાં ઘરવાપસીની ઘટના સામે આવી હતી. વલસાડના કપરાડામાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાં 200થી વધુ પરિવાર હિન્દુ ધર્મમાં પાછાં આવ્યાં હતાં.સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા વિરાટ હિન્દુ ધર્મ જાગરણ સંમેલનના કાર્યક્રમ દરમિયાન ઘરવાપસીની આ ઘટના બની હતી.આ વિસ્તારમાં મિશનરીઝ દ્વારા આદિવાસીઓને પ્રલોભનો આપીને ખ્રિસ્તી બનાવવા અંગે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા ઉહાપોહ મચાવવામાં આવે છે. ત્યારે તેનાથી વિપરીત હિન્દુ ધર્મમાં પાછાં વળતાં પરિવારોના ખબરને લઇ નોંધ લેવાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સ્વામીનારાયમ સંપ્રદાયના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
એકતરફ નાતાલ પર્વને લઇને મિશનરી સંસ્થાઓ દ્વારા સંમેલનો યોજાઈ રહ્યાં છે ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ હિન્દુ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓના દરેક ગામમાં ચર્ચના જવાબમાં ગામેગામ હનુમાનજીના મંદિરો બાંધવાનું અભિયાન પણ શરુ થયું છે. આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીની વટાવ પ્રવૃત્તિ સામે હિન્દુ સંગઠનોનું ઘરવાપસી અભિયાન ચાલી રહ્યું છે. જેના પગલે સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા વિરાટ હિન્દુ ધર્મ જાગરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધસ્થળે સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યાં હતાં,જેમની સમક્ષ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા 200થી વધુ પરિવારોને કંઠી પહેરાવીને પરત હિન્દુ ધર્મમાં પુનઃપ્રવેશ કરાવાયો હતો.
સ્વામીનારાયણ સંતો દ્વારા આ સંદર્ભે જણાવાયું હતું કે વિવિધ પ્રકારના ધર્મના લોકો લાલચો-પ્રલોભનો આપીને લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે તેવા લોકોને પોતાના હિન્દુ ધર્મને વળગી રહેવા, જે તેઓને પરંપરામાં મળ્યો છે એને બચાવવા માટે અમે આ બીડું ઉઠાવ્યું છે. ધરમપુર તાલુકાના નાના ગામડાઓ સુધી આ પ્રવૃત્તિથી સેવાકાર્ય કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છેકે ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યાનો આરોપ અવારનવાર કરવામાં આવી રહ્યાં છે.