રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ઉમરેઠથી વધુ એક દુર્ષ્કમની ઘટનાનો બનાવ સામે આવ્યો છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં 21 વર્ષીય યુવકે 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી પાર્થ રાવળે 17 જાન્યુઆરીના રોજ સાંજના સમયે યુવતીને તેની માતા બોલાવે છે એવું કહીને એક્ટિવા પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો.
ઘરમાં એકલતાનો લાભ લઈને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ભયભીત યુવતી કોઈક રીતે પોતાના ઘરે પહોંચી હતી અને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ યુવતીએ ફરિયાદ કરતાં આણંદ જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી.જસાણીના નેતૃત્વમાં ઉમરેઠ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનાની ગંભીરતાની નોંધ લઇ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પાર્થ રાજુભાઈ રાવળને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સલામતીના મુદ્દે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે.