ઉત્તરાયણના દિવસે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની 1.32 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગઈકાલે 14 જાન્યુઆરીના ઉત્તરાયણની રજાના દિવસે ફ્લાવર શો જોવા સવારે 9થી રાતે 11 વાગ્યા સુધીમાં 1.01 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. એના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ છે. આજે 15 જાન્યુઆરીના રોજ પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઊમટી પડે એવી શક્યતા છે.

ફ્લાવર શો જોવા માટેનો સૌથી મોટો રેકોર્ડ નોંધાયો છે. એક જ દિવસમાં સૌથી વધુ 1.32 લાખ લોકોએ મુલાકાત લીધી છે. 3 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધીમાં 8.10 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે, જેનાથી રૂપિયા 6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. ફ્લાવર શોની અત્યારસુધીમાં સૌથી વધુ લોકો 14 જાન્યુઆરી 2025ના રોજ એક જ દિવસમાં મુલાકાત લેવા આવ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો છે. ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઊમટી પડી હતી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી હતી. મોડીરાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઊભરાયું હોય એવાં દ્રશ્યો સર્જાયા હતાં. ફ્લાવર શોની સાથે અટલબિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એક જ દિવસમાં એક લાખથી વધારે લોકો આવતાં 86 લાખની આવક થઈ હતી, જેમાં 48 લાખ રોકડ, 12 લાખ UPI અને 26 લાખ ઓનલાઇનથી આવક થઈ હતી.