ગુજરાતના સામાજિક અને કાયદાકીય માળખામાં એક મોટો યુગપરિવર્તક બદલાવ આવ્યો છે. રાજ્ય વિધાનસભામાં પસાર કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આખરી મંજૂરી આપી દેતાં હવે તેણે વિધિવત કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજ્ય સરકારે ‘ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. આ કાયદો રાજ્યની સીમાઓમાં વસતા નાગરિકોની સાથે-સાથે રાજ્ય બહાર વસવાટ કરતા મૂળ ગુજરાતીઓ પર પણ સમાન રીતે લાગુ થશે.

આદિવાસી (ST) સમાજને કાયદામાંથી મુક્તિ
રાજ્યના આદિવાસી સમુદાયની આગવી પરંપરાઓ અને સામાજિક-સાંસ્કૃતિક ઓળખ સુરક્ષિત રહે તે હેતુથી બંધારણની કલમ ૩૬૬(૨૫) અને ૩૪૨ હેઠળ આવતા અનુસૂચિત જનજાતિના નાગરિકોને આ કાયદામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. બંધારણના ભાગ-૨૧ હેઠળ વિશેષ અધિકારો ધરાવતી પરંપરાગત પ્રથાઓ પાળતા સમુદાયો પર પણ આ કાયદો અસર કરશે નહીં.

લગ્ન અને છૂટાછેડા: 60 દિવસમાં નોંધણી અનિવાર્ય, એકપત્નીત્વનો નિયમ કડક
ઉંમર અને એકપત્નીત્વ: કાયદા હેઠળ લગ્ન માટે યુવકની લઘુત્તમ વય 21 વર્ષ અને યુવતીની 18 વર્ષ નિર્ધારિત કરાઈ છે. પ્રથમ જીવનસાથી હયાત હોય ત્યાં સુધી બીજા લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ફરજિયાત રજિસ્ટ્રેશન: કાયદો અમલી બન્યા બાદ થનારા તમામ લગ્નોનું ૬૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નિયત સમયમર્યાદામાં નોંધણી ન કરાવનાર સામે દંડનીય જોગવાઈ રાખવામાં આવી છે.
ધાર્મિક પ્રથાઓ સુરક્ષિત: સપ્તપદી, નિકાહ, આણંદ કારજ કે ખ્રિસ્તી સમુદાયની પરંપરાગત લગ્નવિધિઓ પર કાયદાથી કોઈ આંચ આવશે નહીં.
સત્તાવાર પુરાવો: લગ્ન નોંધણીના પ્રમાણપત્ર વિના સરકારી નોકરી કે સત્તાવાર દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ (Marital Status) માં ફેરફાર કરી શકાશે નહીં.
લિવ-ઇન રિલેશનશિપ (Live-in Relationship) માટે કડક કાયદાકીય માળખું
રાજ્યમાં હવે લિવ-ઇનમાં રહેતા કે રહેવા ઇચ્છતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન રજૂ કરીને સત્તાવાર નોંધણી કરાવવી પડશે. આ ઉપરાંત, જો લિવ-ઇન સંબંધોનો અંત આવે તો તેની પણ રજિસ્ટ્રારને સત્તાવાર જાણ કરવી અનિવાર્ય રહેશે.
સંપત્તિ અને વારસાહક: મહિલાઓને મળ્યો પુરુષ સમકક્ષ હક
સમાન મિલકત હક: જો કોઈ વ્યક્તિ વસિયતનામું (Will) કર્યા વિના અવસાન પામે તો તેની મિલકતમાં પત્ની/પતિ, સંતાનો (દીકરા-દીકરીઓ) અને માતા-પિતા તમામનો કાયદાકીય રીતે એકસરખો સમાન ભાગ રહેશે.
તમામ બાળકોને સમાન કાયદાકીય રક્ષણ: લગ્ન સંબંધ બાહ્ય જન્મેલા, સરોગસી દ્વારા કે વિધિવત દત્તક લેવાયેલા બાળકોને પણ જૈવિક (સગા) બાળકો જેટલા જ વારસાહક અને કાયદાકીય અધિકારો મળશે.
અદાલતી પ્રક્રિયા પૂર્વે મધ્યસ્થતા (Mediation)
લગ્નગાળો કે છૂટાછેડા સંબંધિત વિવાદો સીધા કોર્ટમાં પહોંચે તે પહેલાં ‘પ્રિ-લિટિગેશન મેડિએશન’ (કોર્ટ બહાર સમાધાન પ્રક્રિયા) માંથી પસાર થવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી દંપતીઓ વચ્ચે શક્ય હોય ત્યાં સુધી સુમેળ સાધી શકાય.



