અંતિમ ક્ષણોમાં લતાજીના મુખ પર સ્મિત હતું: ડો. સામદાની

નવી દિલ્હીઃ સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે જ્યાંથી ગઈ કાલે સ્વર્ગારોહણ કર્યું હતું એ બ્રીચ કેન્ડી હોસ્પિટલનાં ડો. પ્રતીત સામદાનીએ કહ્યું હતું કે સ્વ. ગાયિકાની અંતિમ ક્ષણોમાં તેમના ચહેરા પર સ્મિત હતું. છેલ્લાં ત્રણ વર્ષથી તેમની સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ લતાજીની તબિયત નાદુરસ્ત થતી, ત્યારે હું તેમની સારવાર કરતી, પણ છેલ્લા કેટલાક દિવસોથી તેમનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. અમે તેમને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા, પણ અમે તેમને બચાવી ના શક્યાં.

તેમણે વધુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે લતાજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, ત્યારે તેઓ હંમેશાં કહેતાં હતાં કે ડોક્ટર્સે બધાની એકસમાન સારવાર કરવી જોઈએ. તેમના માટે તે સારસંભાળ લેવી જરૂરી હતી, તેમાં તેઓ હંમેશાં સહકાર આપતાં હતાં અને ક્યારેય તેમણે દેખરેખમાં અડચણ નહોતાં કરતાં.

લતાજીના સરળ સ્વભાવની વાત કરતાં ડો. સામદાનીએ કહ્યું હતું કે મને તેમનું નિર્મળ સ્મિત જીવનભર યાદ રહેશે. તેમનું આરોગ્ય છેલ્લા ઘણા સમયથી સારું નહોતું રહેતું, જેથી તેઓ વધુ કોઈને મળતાં નહોતાં. લતા દીદી બહુ ઓછું બોલતાં હતાં. ભગવાને તેમના માટે અલગ યોજના બનાવી હતી અને તેઓ આપણને બધાને હંમેશ માટે છોડીને ચાલ્યાં ગયાં, એમ તેમણે કહ્યું હતું.

લતાનું 92 વર્ષની વયે ગઈ કાલે નિધન થયું હતું. તેઓ કોરોના સંક્રમિત હતાં અને તેમને ન્યુમોનિયા પણ થયો હતો.

ભારતીય ફિલ્મજગતના સૌથી મહાન પાર્શ્વ ગાયકોમાંના એક લતા દીદીએ 1942માં 13 વર્ષની ઉંમરે કેરિયર શરૂ કરી હતી. તેમણે વિવિધ ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયાં છે. તેમણે સાત દાયકાની કેરિયરમાં અનેક યાદગાર ગીતો ગાયાં છે. ભારતની મેલડી ક્વીનના રૂપે જાણીતાં સ્વ. લતા દીદીને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને અનેક નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.