મુંબઈઃ બ્રિટિશ-અમેરિકન ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપનહાઈમર’ તાજેતરમાં જ ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થઈ છે, પરંતુ તેના એક દ્રશ્યએ ભારતમાં વિવાદ જગાવ્યો છે અને હિન્દૂઓમાં રોષની લાગણી ફેલાવી છે. ફિલ્મના એક દ્રશ્યમાં, ઓપનહાઈમરની ભૂમિકા ભજવતા સિલિયન મર્ફી ફ્લોરેન્સ પ્યૂગ નામની એક મહિલા પાત્ર સાથે સેક્સ કરતી વખતે ભગવદ્દ ગીતાના શ્લોક વાંચે છે. આ દ્રશ્યએ ભારતનાં લોકોને અપસેટ કરી દીધા છે.
અનેક ફિલ્મ કલાકારો અને નેતાઓએ ‘ઓપનહાઈમર’ના નિર્માતાની ટીકા કરી છે, પરંતુ ‘મહાભારત’ ટીવી સિરિયલમાં ‘શ્રીકૃષ્ણ’ની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજે વિવાદાસ્પદ દ્રશ્ય વિશે જુદો મત ધરાવે છે. એક ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું છે, ‘દ્રશ્ય વખતે ઓપનહાઈમરની ભાવનાત્મક મનઃસ્થિતિને સમજવાની જરૂર છે. કોઈ વૈજ્ઞાનિક ચોવીસ કલાક, 365 દિવસ એના સર્જન વિશે જ વિચારમગ્ન રહેતો હોય છે. એની શારીરિક ક્રિયા માત્ર એક કુદરતી યાંત્રિક ક્રિયા સમાન હોય છે.’