‘RRR’ ફિલ્મના ‘નાટૂ નાટૂ’ ગીતને મળ્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

લોસ એન્જેલિસઃ ‘બાહુબલી’ ફિલ્મના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની તેલુગુ એક્શન-ડ્રામા ફિલ્મ ‘આરઆરઆર’એ દેશમાં જાદૂ ફેલાવ્યા બાદ હવે વિદેશમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો છે. ફિલ્મના ‘નાટૂ નાટૂ’ ગીતે ‘શ્રેષ્ઠ મૂળ ગીત’ (બેસ્ટ ઓરિજિનલ સોન્ગ)નો એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ તેને મોશન પિક્ચર શ્રેણીમાં મળ્યો છે. લોસ એન્જેલિસમાં આયોજિત 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી અને એનાયત કરવામાં આવ્યો હતો.

ફિલ્મના સંગીતકાર એમ.એમ. કીરવાનીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. એમની સાથે એમના પત્ની શ્રીવલ્લી પણ હતા. ચંદ્રબોસ દ્વારા લિખિત આ ગીતમાં એમ.એમ. કિરવાનીએ સંગીત આપ્યું છે. સ્વર આપ્યો છે રાહુલ સિપ્લીગુંજ અને કાલા ભૈરવે. કીરવાનીએ આ એવોર્ડ માટે રાજામૌલી તથા અભિનેતાઓ રામ ચરણ તથા એનટીઆર જુનિયરને આભારી ગણાવ્યા છે. ‘નાટૂ નાટૂ’ ગીત સામે હરીફાઈમાં ચાર અંગ્રેજી ફિલ્મોના ગીતો હતા.