દલેર મહેંદી વિવાદનો અંત: કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે માંગી માફી

પ્રખ્યાત ગાયક દલેર મહેંદી અને ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ વચ્ચે સર્જાયેલો વિવાદ હાલમાં ભારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ગાયક પર નશો કરીને ગાવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેના પગલે મીકા સિંહ અને કપિલ શર્મા સહિતના અનેક જાણીતા કલાકારો દલેર મહેંદીના સમર્થનમાં ખુલીને મેદાને આવ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે મંત્રી સુબોધ ઉનિયાલ દ્વારા દલેર મહેંદીની માફી માંગવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે, જેની સત્તાવાર પુષ્ટિ ગાયક મીકા સિંહે કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે ફોન પર માફી માંગી લીધી છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા મીકા સિંહે જણાવ્યું હતું કે હું આ વાતની પ્રશંસા કરું છું કે દલેર મહેંદીજી સાથે જોડાયેલા આ મામલામાં સુબોધ ઉનિયાલે માફી માંગી લીધી છે. કલાકારો અને તેમના માન-સન્માનની જાળવણી કરવી અત્યંત આવશ્યક છે. દલેરજી સંગીત જગતના એક વરિષ્ઠ કલાકાર છે જેમણે પોતાના ઉત્કૃષ્ટ કાર્યથી સંગીત ઉદ્યોગમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. દરેક કલાકાર વાસ્તવિક આદર અને સન્માન મેળવવાનો પૂરેપૂરો હકદાર છે. મને આશા છે કે હવે આપણે આ અપ્રિય ઘટનાને પાછળ છોડીને પરસ્પર આદર અને સમજણ સાથે આગળ વધીશું. દલેર મહેંદી સાથે બનેલી આ ઘટનાના વિરોધમાં સૌથી પહેલાં જાણીતા ગાયક મીકા સિંહ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કેબિનેટ મંત્રીના અયોગ્ય વર્વતણૂકની આકરી ટીકા કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મંત્રી સુબોધ ઉનિયાલે પોતાના ખરાબ વ્યવહાર બદલ દલેર મહેંદીની માફી માંગવી જોઈએ. હવે મંત્રી તરફથી માફી મળી ગયા બાદ સિંગરે આ પ્રકરણનો અંત લાવવાની વાત કરી છે.

શું હતો સમગ્ર મામલો?

તાજેતરમાં જ દલેર મહેંદી ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના નરેન્દ્રનગર ખાતે યોજાયેલા કુંજાપુરી મેળામાં સહભાગી થવા ગયા હતા. આ પવિત્ર કાર્યક્રમમાં તેઓ લાઈવ પર્ફોર્મન્સ આપવા પહોંચ્યા હતા. આ જ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ દલેર મહેંદીના પર્ફોર્મન્સ સામે નારાજગી વ્યક્ત કરતા તેમના પર નશાની હાલતમાં પર્ફોર્મ કરવાનો આક્ષેપ કર્યો હતો. મંત્રી સ્ટેજ પર પહોંચી ગયા હતા અને ગાયક પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગાયક લિપ-સિંકિંગ દ્વારા પ્રદર્શન કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કપિલ શર્મા, મીકા સિંહ અને અનુપમ ખેર સહિતના સેલિબ્રિટીઝ દલેર મહેંદીના સમર્થનમાં આવ્યા હતા. હવે મંત્રી તરફથી માફી માંગવામાં આવ્યા બાદ આ વિવાદનો સુખદ અંત આવ્યો છે.