પ્રકાશના પર્વ દિવાળી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્ય અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની આ શુભ શરૂઆતમાં મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો પ્રકાશ ફેલાય તેવી મંગલ કામના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ‘વિકસિત ગુજરાત’ના માર્ગેથી ‘વિકસિત ભારત’ના મહાસંકલ્પને સિદ્ધ કરવા સાત કરોડ ગુજરાતીઓને સામૂહિક પુરુષાર્થ સાથે આગળ વધવા પ્રેરક આહ્વાન કર્યું છે.
સામૂહિક ઊર્જા અને આત્મનિર્ભરતાથી આગળ વધશે ગુજરાત
શુભેચ્છા સંદેશ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ જે ‘વિકસિત ભારત’નું સ્વપ્ન મૂક્યું છે, તેને સાકાર કરવામાં સાત કરોડ ગુજરાતીઓની સામૂહિક શક્તિ, અદમ્ય ઉત્સાહ અને કૌશલ્ય નિર્ણાયક ભૂમિકા ભજવશે. દિવાળી માત્ર દીવાઓ પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુશાસન, સુરક્ષા અને સામાજિક સમરસતાના સંકલ્પોને વધુ દ્રઢ બનાવવાનો અવસર છે. આપણે સૌએ ‘વી વિલ ડુ ઇટ’ના આત્મવિશ્વાસ સાથે પ્રગતિના નવા શિખરો સર કરવાના છે.
દિવાળી એ ઘરઆંગણે રોશની પાથરવાનો ઉત્સવ તો છે જ.. એથી પણ વધુ એ સમાજમાં માનવતાનો દીપક પ્રગટાવવાનું પર્વ પણ છે.. અને એથી પણ વિશેષ એ આંતરિક જગતમાં રાગ-દ્વેષના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો અવસર છે. तमसो मा ज्योतिर्गमय।
અંતરમનમાં, ઘરઆંગણમાં અને સમસ્ત જગતમાં નકારાત્મક શક્તિઓનો નાશ થઈ પ્રેમભાવનો દીપક પ્રજ્વલિત થાય અને સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિને પામે.. સર્વ જીવોનું કલ્યાણ થાય એ જ ઇશ્વરને પ્રાર્થના.
આપ સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 8, 2026
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત બન્યું ‘ગ્રોથ એન્જિન’
રાજ્યની અવિરત વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2001થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોપાયેલા સેવા અને સુશાસનના મજબૂત છોડ આજે વટવૃક્ષ બની ચૂક્યા છે. ‘સંકલ્પથી સિદ્ધિ’ના મંત્રને ચરિતાર્થ કરીને ગુજરાત આજે વૈશ્વિક સ્તરે દેશનું સૌથી મોટું ‘ગ્રોથ એન્જિન’ બની ગયું છે. રાજ્ય સરકારે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મૂળભૂત મંત્રને અપનાવીને દરેક વર્ગના સર્વાંગી ઉત્થાનના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે.
મિશન લાઈફ અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર
વર્તમાન સમયની મોટી જરૂરિયાત સમાન પર્યાવરણ સંરક્ષણ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના અભિગમને ગુજરાતમાં વ્યાપક સ્તરે અપનાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
ગ્રીન ઈનિશિએટિવ્સ: રાજ્યમાં ‘ગ્રીન ક્રેડિટ’ અને ‘એક પેડ મા કે નામ 3.0’ જેવા જનજાગૃતિ અભિયાનો દ્વારા હરિયાળી વધારવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે.
જળસંચય અને આધુનિક વિકાસ: કચ્છના રણ પ્રદેશથી લઈને ધોલેરા જેવા અત્યાધુનિક ઔદ્યોગિક વિસ્તારો સુધી વરસાદી પાણીનો સંગ્રહ અને સઘન વૃક્ષારોપણના સફળ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યના યુવાધનને પણ ખાસ અપીલ કરી છે કે તેઓ આ નવા વર્ષે પર્યાવરણની રક્ષા માટે પ્રકૃતિલક્ષી અભિયાનોમાં સક્રિયપણે જોડાઈને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં સહભાગી બને.



