ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત થશે ચૅટબૉટનો ઉપયોગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, આ ચૅટબોટ પર મતદારો અને ઉમેદવારો માટેની જરૂરી પ્રાથમિક માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ હશે. ચૅટબોટ એ એક મોબાઈલ નંબર 63571 47746 છે. આ નંબર પર કોલ કરીને કોઈપણ વ્યક્તિ ઓટોમેટેડ ચેટથી જરૂરી માહિતી મેળવી શકશે.

મળતી માહિતી મુજબ આ ચેટબોટમાં ઉમેદવાર અંગેની વિગતો, મતદાર યાદી સંબંધિત પ્રશ્નો, આદર્શ આચારસંહિતાની માહિતી, મતદાન કરવા માટે કયા-કયા પુરાવા જરૂરી છે વગેરે પ્રકારની માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ હશે. આ ચૅટબોટના ઉપયોગ દ્વારા લોકોને જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે એટલુ જ નહિ, મતદાન પ્રક્રિયા પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવાશે અને મતદાન માટે જાગૃતિ કેળવાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે આ ચૅટબોટ વિશેષ ઉપયોગી થશે.

ઈ-શપથ ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું

મતદારો મતદાન કરવા માટે જાગૃત થાય અને સંકલ્પબદ્ધ બને તે હેતુથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈ-શપથ ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલી લિન્ક દ્વારા નાગરિકો મતદાન કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. એટલુ જ નહિં, અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી રહ્યા છે. અત્યારસુધીમાં 5,40,652 મતદાતાઓએ ઈ-શપથ દ્વારા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

KYC, મોબાઈલ એપ અને PwD એપ લોન્ચ કરાઈ

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, Know Your Candidate (KYC) એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પર તમામ ઉમેદવારોની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારોની એફિડેવિટ્સ અને ગુનાઈત માહિતી હશે તો તે પણ ઉપલબ્ધ કરાવાશે. જ્યારે PwD-Personal with Disablility મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.

Voter Helpline Application પણ લોન્ચ કરવામાં આવી

Voter Helpline Application (VHA) પણ લોન્ચ કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન દ્વારા મતદારો પોતાનું નામ સર્ચ કરી શકે છે, ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે છે, ફરિયાદ કરી શકે છે અને મતદાર યાદી સંબંધિત મદદ મેળવી શકે છે.