મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઐઠોર ગામનું ગણપતિ મંદિર એકદમ જાણીતું શ્રધ્ધાનું કેન્દ્ર છે. ચૈત્ર મહિનાની સુદ ત્રીજ, ચોથ અને પાંચમ ઉત્તર ગુજરાતના આ સુપ્રસિધ્ધ ગણપતિ મંદિરે શ્રધ્ધાળુઓનો મેળો ભરાય છે. ભારત વર્ષમાં મંદિરોમાં જુદા જુદા સમયે વિવિધ મેળાઓ ભરાતા હોય છે. જેના સામાજિક, ધાર્મિક અને ઋતુઓ સહિતના અનેક કારણો હોય છે. મહેસાણાના ઐઠોરના ગણપતિ મંદિર ખાતે ચૈત્ર મહિનામાં મેળો ભરાવવાનું પણ એક વિશિષ્ટ મહત્વ છે.
ગણપતિ મેળાનું મહત્વ
મંદિરના પ્રમુખ મુકેશ ચોધરી ચિત્રલેખા.કોમને કહે છે ઐઠોરના મેળામાં સમાજના તમામ લોકોનું પ્રદાન હોય છે. ગામે ગામથી માળીભાઇઓ ફૂલ લઇને આવે છે. આ ફૂલની તાજગી પરથી આવનારા સમયમાં ઋતુઓનો વરતારો નીકળે છે. આ મેળામાં આખાય વર્ષના શુકન ફળ એટલે કે વર્ષનો વરતારો જોવામાં આવે છે. મેળા દરમિયાન નાયક લોકો ત્રણ દિવસ સુધી રાત્રે સતત ભવાઇના કાર્યક્રમો કરે છે. ત્રીજના દિવસે ભવાઇ કરતાં નાયકભાઇઓ જ્યારે ગામમાં પ્રવેશ કરે ત્યારે ગામના વડીલો દ્વારા શુકન જોવાનું ચાલુ થાય છે. નાયકભાઇઓ ત્રીજના દિવસે ઘુઘરા બાંધે ત્યારબાદ ગામના પરંપરાગત રિવાજો ચાલુ થાય છે.
ગણપતિ મંદિરે રંગમંડપ નીચે જ્યાં વરતારો શુકન જોવામાં આવે છે એ જગ્યાને ખરવાડ કહેવામાં આવે છે. આસપાસના પંથકમાંથી આવેલા ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલા માળીભાઇઓ માનતા પ્રમાણે ફૂલોના હાર લાવે છે. એમના સગા સંબંધી પણ ફૂલોના હાર, છાબ લઇને ખરવાડમાં આવે છે.
ચૈત્ર સુદ પાંચમના મેળાના દિવસે ગામના પરંપરાગત તલાટી પરિવારના ઘર પાસે જ ગામ સભા ભરાય છે. નાયકભાઇઓની ભવાઇના શબ્દોનું અર્થઘટન અને પરંપરા પ્રમાણે સૌ ભેગા મળી વર્ષફળ શુકન વરતારો કાઢે છે.
ઐઠોરનું ગણપતિનું મંદિર અતિ પ્રાચિન માનવામાં આવે છે. ધાર્મિક સ્થળ અને મેળાની સૌથી મહત્વની વાત એ છે કે મંદિરના મેળામાં વર્ષનો વરતારો શુકન ફળના અનુમાનો કરવામાં આવે છે. આ સાથે જૈન નાયક, માળીથી માંડી અન્ય તમામ સમાજના લોકોનું ઐક્ય જોવા મળે છે. ચૈત્રની ત્રીજ, ચોથ અને પાંચમનો ઐઠોરનો મેળો ભવાઇની પ્રસ્તુતિ અને વર્ષના વરતારો કાઢતો અનોખો મેળો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)