ટ્રમ્પના ઓટો ટેરિફની જાહેરાતથી વૈશ્વિક બજારમાં તેજી, સોનું-ચાંદી રેકોર્ડ હાઈ પર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો આયાત પર 25 ટકા ટેરિફ અને આગામી સપ્તાહથી લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાતથી વૈશ્વિક અને સ્થાનિક કિંમતી ધાતુ બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે સોનું $3086.21 પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું, જ્યારે અમદાવાદમાં સોનું રૂ. 500ના ઉછાળા સાથે રૂ. 92,000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું. ચાંદી પણ રૂ. 1,000 વધીને રૂ. 1,01,000 પ્રતિ કિલો પર ક્વોટ થઈ, જે લાખની સપાટીને વટાવી ગઈ છે.

ટ્રમ્પના ટેરિફ નિર્ણયથી ટ્રેડવોરની ભીતિ વધી છે, જેના કારણે ઈક્વિટી અને ફોરેક્સ બજારોમાં અફરાતફરીનો માહોલ છે. આની સામે, સેફહેવન રોકાણ તરીકે સોના-ચાંદીમાં ખરીદી વધી છે. છેલ્લા ત્રણ મહિનામાં વૈશ્વિક સોનું 16.90 ટકા અને ચાંદી 16.76 ટકા વધ્યા છે, જ્યારે સેન્સેક્સમાં 724.08 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ આર્થિક અનિશ્ચિતતાઓએ કિંમતી ધાતુઓને રોકાણકારોની પસંદગી બનાવી છે.

MCX પર તેજીનો માહોલ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના વાયદામાં રૂ. 10,284.33 કરોડનું ટ્રેડિંગ થયું. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો રૂ. 358 વધી રૂ. 88,742 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો, જે રૂ. 88,605થી રૂ. 89,060ની રેન્જમાં રહ્યો. ગોલ્ડ-ગિની રૂ. 211 વધી રૂ. 71,915 (8 ગ્રામ), ગોલ્ડ-પેટલ રૂ. 32 વધી રૂ. 9,056 (1 ગ્રામ), અને સોનું-મિની રૂ. 423 વધી રૂ. 88,636 પર પહોંચ્યો. ચાંદી મે વાયદો રૂ. 302 વધી રૂ. 1,01,615 પ્રતિ કિલો પર ટ્રેડ થયો, જે રૂ. 1,01,280થી રૂ. 1,02,040ની રેન્જમાં રહ્યો. ચાંદી-મિની રૂ. 337 વધી રૂ. 1,01,508 અને ચાંદી-માઇક્રો રૂ. 333 વધી રૂ. 1,01,494 પર પહોંચી.