નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા પર વીટો લગાવવાની અને સતત પાકિસ્તાનની મદદ કરવાને લઈને દેશના વ્યાપારીઓએ દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો ખતરો માન્યો છે અને આને ધ્યાનમાં રાખતા કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે દેશભરનાં વ્યાપારીઓ પાસેથી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. કેટે એ પણ જાહેરાત કરી છે કે આગામી 19 માર્ચના રોજ દેશભરમાં હજારો સ્થાનો પર વ્યાપારી ચીનના સામાનની હોળી પ્રગટાવશે.
ચીન માટે ભારત એક મોટું બજાર છે અને જો આ બજારથી ચીનને બેદખલ કરી દેવામાં આવે તો, આનાથી ચીનની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગશે અને એટલા માટે કેટે દેશભરના વ્યાપારીઓને આગ્રહ કર્યો છે કે તેઓ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરતા કોઈપણ ચીની સામાન ન વેચે અને ન તો ખરીદે. પોતાની આ રાષ્ટ્રીય ઝૂંબેશમાં કેટે ટ્રાન્સપોર્ટ, લઘુ ઉદ્યોગ, ઉપભોક્તા સહિતના રાષ્ટ્રીય સંગઠનોને પણ જોડશે.
દેશમાં પ્રતિવર્ષ ચીનથી લગભગ 75 બિલિયન ડોલરનો સામાન આયાત થાય છે અને જો આ આયાતમાં કમી આવી જાય તો ચીનને ચોક્કસ પણે મોટુ આર્થિક નુકસાન થશે કારણ કે ચીન માટે દુનિયાભરમાં ભારત સૌથી મોટું બજાર છે. આ ઝુંબેશ અંતર્ગત ચીનની વસ્તુઓના ઉપયોગ પર જો રોક લગાવવામાં આવે તો ચીનથી આયાત થતી વસ્તુઓમાં મોટો ઘટાડો નોંધાશે.
આવા સમયમાં જ્યારે પાકિસ્તાન ભારત સાથે આતંકવાદી ગતિવિધિઓની રમત રમી રહ્યું છે, એવામાં ચીન દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં રોડા નાંખવાનું કામ એક પ્રકારે ભારત વિરુદ્ધ ચીનની કાર્યવાહી છે.
આ સતત ચોથી વાર છે કે જ્યારે ચીને મસૂદ અઝહર મામલે વીટોનો ઉપયોગ કર્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ચીન પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન કરી રહ્યું છે અને કરશે. આ સ્થિતિમાં જો ચીનને ભારતના બજારમાંથી કાઢી મુકવામાં આવે તો કદાચ ચીનને વાત સમજમાં આવે.