મુંબઈ– કાર્ડ પેમેન્ટ સિસ્ટમમાં (Rupay) રૂપેનો દબદબો વધી રહ્યો છે. રૂપે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની પેમેન્ટ સિસ્ટમ છે. છેલ્લા ત્રણ વર્ષોમાં રૂપે કાર્ડથી લેવડ દેવડ વધી છે. આની સીધી હરિફાઈ વિઝા અને માસ્ટરકાર્ડ જેવી વૈશ્વિક કાર્ડ કંપનીઓ સાથે છે.
એનપીસીઆઈ અને ભારતીય રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2018 19માં ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં મર્ચન્ટ પેમેન્ટ મોડ દ્વારા રૂપે મારફતે એક અબજ ટ્રાન્જેક્શન થયાં. જે નાણાકીય વર્ષ 2017 18માં 66.7 કરોડથી કરતા અંદાજે 70 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2017 18માં તેના પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ રૂપે ટ્રાન્જેક્શનમાં 135 ટકાનો વધારો થયો.
નાણાકીય વર્ષ 2018 19માં મર્ચન્ટ પેમેન્ટ્સ માટે ડેબિટ કાર્ડને 4.4 અબજ વખત સ્વાઈપ કરવામાં આવ્યાં. જે અગાઉના વર્ષ કરતા 32 ટકા વધારે છે. રૂપે કાર્ડ મારફતે થતાં ટ્રાન્જેક્શનનો ગ્રોથ સારો છે, પરંતુ આ લો બેઝથી આવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રી એક્ઝીક્યૂટિવનું કહેવું છે કે, નાના શહેરો અને નગરોમાં લોકો પેમેન્ટ માટે કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી રૂપે કાર્ડથી ટ્રાન્જેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે.
રૂપે ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણા રાયે જણાવ્યું કે, કાર્ડ ટ્રાન્જેક્શનમાં રૂપેની ભાગીદારી 33 ટકા છે. આજે 1100થી વધુ બેંકોએ અંદાજે 60 કરોડ રૂપે કાર્ડ ઈશ્યૂ કર્યાં છે. આમાંથી અડધા મિડ અને પ્રીમિયમ સેગમેન્ટમાં છે.
એનપીસીઆઈ એ પણ અનેક ઓફરો મારફતે રૂપે કાર્ડના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. રૂપેએ તાજેતરમાં જ યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન બ્રિટેનના તમામ રેસ્ટોરન્ટમાં 50 ટકા કેશબેકની ઓફર આપી હતી. જેથી યૂઝર બેઝ વધારવામાં ઘણી મદદ મળી. કંપનીએ દાવો કર્યો કે, હાલમાં રૂપે કાર્ડ પર 1000થી વધુ ઓફર ચાલી રહી છે. જોકે સરકાર દ્વારા કોઈ એવો નિર્દેશ નથી જાહેર કરવામાં આવ્યો કે, માત્ર આ જ કાર્ડ ઈશ્યૂ થશે, પરંતુ મોટી સંખ્યામાં સરકારી બેંકો રૂપે કાર્ડ ઈશ્યૂ કરી રહી છે.