નવી દિલ્હી- સામાન્ય રીતે લોકો કોઈ પણ ફિલ્મની ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે BookMyShow નો ઉપયોગ કરતા હોય છે. પંરતુ BookMyShow પરથી ટિકિટ બૂકિંગ પર વધારાનો ચાર્જ પણ વસૂલવામાં આવતો હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, ફિલ્મની ટિકિટ પર વધારાનો ચાર્જ વસૂલવો ગેરકાયદે છે. એક આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, BookMyShow તેમના ગ્રાહકો પાસેથી ખોટી રીતે ચાર્જ વસૂલી રહ્યુ છે. આરટીઆઈના જવાબમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે, ઈન્ટરનેટની મદદથી ફિલ્મ ટિકિટ ઓનલાઈન ખરીદવા પર ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવો ગેરકાયદે છે.
ધ લોજિકલ ઈન્ડિયનના રિપોર્ટ અનુસાર વિજય ગોપાલ નામના એક વ્યક્તિએ BookMyShow, PVR, અને આઈટી ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ હૈદરાબાદ સ્થિત ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે 23 માર્ચના રોજ સુનાવણી હાથ ધરાશે.
તમને જણાવી દઈએ કે, માત્ર BookMyShow જ નહીં અન્ય ઘણી બધી એવી ઓનલાઈન એપ્લિકેશન છે કે, જે વધારાનો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલી રહી છે. પરંતુ તમારે એ જાણવું જરૂરી છે કે, ઈન્ટરનેટ હેન્ડલિંગ ફી માટે પહેલાથી નિર્ધારિત કાયદો બનેલો છે.
આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં કહ્યું કે, ઓનલાઈન ફિલ્મ ટિકિટ ઉપલબ્ધ કરાવતા તમામ પ્લેટફોર્મ ટિકિટની મુળ કિંમત ઉપરાંત ઈન્ટરનેટ હેન્ડલિંગ ફીના નામે વધારાનો ચાર્જ ન વસૂલી શકે. આ સંપૂર્ણ રીતે આરબીઆઈના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) રેગ્યુલેશનની વિરુદ્ધ છે.
BookMyShow ઉપરાંત આ પ્રકારની ઓનલાઈન સુવિધા પૂરી પાડતા અન્ય કંપનીઓ પણ સેવાને બદલે વધારાનો ચાર્જ વસૂલે છે. Swiggy સહિત ઘણા એવા પ્લેટફોર્મ પણ છે, જે સુવિધાઓની બદલે ઈન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ તરીકે વધારાના નાંણા ઉધરાવે છે.
આ માટે કેટલા નિયમો અને શરતોને આધિન તમે ફરિયાદ નોંધાવી શકો છો. આરટીઆઈના જવાબમાં આરબીઆઈએ કહ્યું કે, જો કોઈ ગ્રાહક ઓનલાઈન સેવા પૂરી પાડતા પ્લેટફોર્મ વિરુદ્ધ ફરિયાદ કરવા ઈચ્છે છે તો, તે httpss://rbi.org.in/script/complaints.aspx સાઈટ પરથી ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ વેપારી નિયમોની અવગણના કરી રહ્યા હોઈ તો તેમની વિરુદ્ધ સંબંધિત બેંકમાં જઈને પણ ફરિયાદ કરી શકે છે. જો બેંક પણ 30 દિવસની અંદરમાં કોઈ કાર્યવાહી ન કરે તો, ગ્રાહક ‘Banking Ombudsman’ (કંપની વિશેષ વિરુદ્ધ તપાસ કરનાર અધિકારી)નો સંપર્ક કરી શકે છે.