નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. સંસદના બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ સાથે થઈ હતી. એ પછી વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2020-21નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષે ભારતીય અર્થતંત્રનો જીડીપી ગ્રોથ કોરોના વાઇરસને કારણે (-) 7.7 ટકા ઘટીને રહેશે. જોકે આવતા નાણાકીય વર્ષ 2021-22માં અર્થતંત્રનો જીડીપી ગ્રોથ 11 ટકાના દરે થશે, એમ સર્વે કહે છે. સર્વે મુજબ કોરોનાની રસીને લીધે અર્થતંત્રમાં V શેપમાં રિકવરી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
સામાન્ય રીતે આર્થિક સર્વે બજેટના એક દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવતો હોય છે, પરંતુ પહેલી ફેબ્રુઆરી પહેલાં શનિવાર અને રવિવાર હોવાથી સંસદમાં શુક્રવારે સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. આ આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યને તૈયાર કર્યો છે. કોરોના વાઇરસને કારણે આર્થિક કામગીરીને માઠી અસર પહોંચાડી છે.
રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં તેમણે મોદી સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી હતી તેમણે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે નવા કૃષિ કાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં શાકભાજી અને ફળોનું ઉત્પાદન 21.5 કરોડ ટનથી વધીને 32 કરોડ ટને પહોંચ્યું છે. જ્યારે દેશમાં 2008-09ના 23.4 કરોડ ખાદ્ય પદાર્થોની ઊપજથી વધીને 2019-20માં એ 29.6 કરોડ ટને પહોંચી છે, એમ તેમણે કહ્યું હતું.