મુંબઈ – નેત્રહીન વ્યક્તિઓ દેશની ચલણી નોટોને ઓળખી શકે એ માટે ભારતીય રિઝર્વ બેન્ક ખાસ મોબાઈલ એપ્લિકેશન બહાર પાડશે. દેશભરમાં સોદાઓ કરવા માટે રોકડ રકમ આજે પણ એક મોટા માધ્યમ તરીકે ચાલુ રહી છે.
હાલ રૂ. 10, 20, 50, 100, 200, 500 અને 2000ના મૂલ્યની બેન્કનોટો ચલણમાં છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારે 1 રૂપિયાના મૂલ્યની નોટ પણ બહાર પાડી છે.
ભારતીય રિઝર્વ બેન્કનું કહેવું છે કે નેત્રહીન વ્યક્તિઓ પણ રોકડ દ્વારા સોદા તો જ સફળતાપૂર્વક કરી શકે જો તેઓ બેન્કનોટના મૂલ્યને બરાબર રીતે ઓળખી શકે.
હાલ 100 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યવાળી નોટોમાં મૂલ્ય ઓળખવામાં નેત્રહીન વ્યક્તિઓને મદદરૂપ થવા માટે ઈન્ટાગ્લિયો પ્રિન્ટિંગ બેઝ્ડ ઓળખ ચિન્હો મૂકવામાં આવ્યા જ છે.
2016ના નવેંબરમાં 500 અને 1000ના મૂલ્યવાળી જૂની નોટોને ચલણમાંથી રદ કરી દેવાયા બાદ નવી ડિઝાઈન અને કદવાળી બેન્કનોટ્સ ચલણમાં મૂકવામાં આવી છે.
રિઝર્વ બેન્કે કહ્યું છે કે દરરોજના વ્યવહારમાં બેન્કનોટ્સના મૂલ્યને બરાબર રીતે ઓળખી શકવામાં નેત્રહીન વ્યક્તિઓને પડતી તકલીફો અંગે અમે બહુ જ સંવેદનશીલ રહ્યા છીએ. અમે એ માટેની મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવા માટે નિષ્ણાતોને માર્ગદર્શન આપી રહ્યા છીએ.
સૂચિત મોબાઈલ એપથી નેત્રહીન વ્યક્તિઓ મોબાઈલ ફોનના કેમેરાની સામે મહાત્મા ગાંધી સીરિઝ અને મહાત્મા ગાંધી નવી સીરિઝની નોટને મૂકીને તેની ઈમેજ કેપ્ચર કરીને નોટના મૂલ્યને બરાબર રીતે ઓળખી શકશે. તે એપ મહાત્મા ગાંધી સીરિઝની નોટોની ઓળખ માટે સક્ષમ હશે. નેત્રહીન વ્યક્તિએ નોટને ફોનના કેમેરાની સામે રાખીને એની તસવીર પાડવાની રહેશે. જો નોટની તસવીર બરાબર લેવાઈ હશે તો એપ ઓડિયો નોટિફિકેશન મારફત નેત્રહીન વ્યક્તિને નોટના મૂલ્ય વિશે જણાવવામાં આવશે. જો તસવીર બરાબર લેવાઈ નહીં હોય કે નોટને રીડ કરવામાં કોઈ તકલીફ આવી હશે તો એપ ફરીથી કોશિશ કરવાની પણ સૂચના આપશે.
આ એપ બનાવવા માટે બેન્કે ટેક્નોલોજી કંપનીઓ પાસેથી બિડ્સ મગાવ્યા છે.