મુંબઈ– એટીએમમાં ચોરી થવાના કિસ્સાઓ અવારનવાર સમાચારમાં આવતાં હોય છે પરંતુ હવેથી બેંકોએ તેમના એટીએમની સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવો પડશે. ભારતીય રીઝર્વ બેંકે આ અંગે તમામ બેંકોને નવા નિર્દેશ આપ્યા છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ એટીએમ દિવાલ, જમીન કે થાંભલા સાથે જોડાયેલા હોવા જોઈએ.
અત્યંત સુરક્ષિત પરિસર તેમ જ હવાઈમથકો પર લાગેલા એટીએમને આ નિર્દેશોમાંથી છૂટ આપવામાં આવી છે. રીઝર્વ બેંકે 2016માં સુરક્ષાના તમામ પાસાંઓની સમીક્ષા કરવા માટે રોકડની આવનજાવન પર સમિતિ (સીસીએમ)ની રચના કરી હતી. સમિતિની ભલામણોને આધાર પર આરબીઆઈએ આ નવા નિર્દેશ જાહેર કર્યાં છે.
આરબીઆઈ એટીએમ પરિચાલન સાથે જોડાયેલા જોખમને ઓછું કરવા માગે છે. સુરક્ષા ઉપાયો હેઠળ નક્કી કરવામાં આવ્યું છે કે, રોકડ ભરવા માટે એટીએમનું પરિચાલન માત્ર ડિઝિટલ વન ટાઈમ કોમ્બિનેશન (ઓટીસી) લોક મારફતે કરવામાં આવશે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં તમામ એટીએમ કોઈપણ દીવાલ, જમીન અથવા તો થાંભલા સાથે જોડાયેલા હોવા જોઈએ. માત્ર ઉચ્ચ સુરક્ષા ધરાવતા પરિસરમાં આની જરૂર નહીં પડે.
બેંકોને એટીએમ પર નજર રાખવા માટે ઈ મોનિટરિંગની પ્રણાલી અંગે પણ વિચાર કરવા કહેવામાં આવ્યું છે. જેથી યોગ્ય સમયે કોઈ પણ સંકટ અંગે ચેતવણી મળી શકે. આરબીઆઈએ કહ્યું કે, જો બેંક આ નિર્દેશોનું નક્કી કરેલી સમય મર્યાદામાં પાલન નહીં કરે તો તેમના પર દંડ લગાવવામાં આવી શકે છે અથવાતો નિયમનકારી કાર્યવાહી પણ થઈ શકે છે.